'50% ટેરિફ ખતમ કરો': ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઊઠ્યો અવાજ, પ્રસ્તાવ રજૂ

Donald Trump Tariff News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ઊંચા ટેરિફ સામે યુએસ સંસદ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં ત્રણ ડેમોક્રેટ સાંસદોએ એક પ્રસ્તાવ રજૂ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાંસદોનું કહેવું છે કે રાષ્ટ્રીય કટોકટીના નામે લાદવામાં આવેલા આ ટેરિફ ગેરકાયદેસર છે અને તેનાથી સામાન્ય અમેરિકનોને જ નુકસાન થઈ રહ્યું છે.
ટ્રમ્પના 50% ટેરિફને રદ કરવાની માંગ
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (નોર્થ કેરોલિના), માર્ક વીજી (ટેક્સાસ) અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોય) એ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ દ્વારા, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય આયાત પર ટેરિફ 50 ટકા સુધી વધારવા માટે જે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી હતી, તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે.
ટેરિફને ગેરકાયદે ગણાવ્યો
ડેમોક્રેટ સાંસદોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ટેરિફ ગેરકાયદેસર છે, અમેરિકન હિતોની વિરુદ્ધ છે, અને સૌથી વધુ નુકસાન સામાન્ય અમેરિકન નાગરિકોને થઈ રહ્યું છે. આ વાસ્તવમાં રોજબરોજની વસ્તુઓ પર અમેરિકનો પરનો વધારાનો ટેક્સ છે."
ક્યારે લાગુ કર્યો હતો ટેરિફ?
ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025 ના રોજ ભારત પર 25% 'રેસિપ્રોકલ ટેરિફ' લાદ્યો હતો. ત્યારબાદ, 27 ઓગસ્ટ, 2025 ના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25% 'સેકન્ડરી ટેરિફ' લગાવવાની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% ટેરિફ ઉપરાંત હતો. આ બંને ટેરિફને કારણે ઘણા ભારતીય ઉત્પાદનો પરની આયાત પડતર બમણી થઈ ગઈ હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે તેની ટેરિફ નીતિઓ લાગુ કરવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો આશરો લીધો હતો.
અમેરિકા-ભારત સંબંધો અને આર્થિક અસર
સાંસદોએ ભારતીય આયાત પર લાદવામાં આવેલા આ ટેરિફને દૂર કરવાના પક્ષમાં મજબૂત દલીલો રજૂ કરી:
ડેબોરા રોસ : "નોર્થ કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ભારતીય કંપનીઓએ અહીં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને હજારો નોકરીઓ આપી છે. આ ટેરિફ તે સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા છે."
માર્ક વીજી : "આ ગેરકાયદેસર ટેરિફ નોર્થ ટેક્સાસના સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ નાખી રહ્યા છે. ભારત અમારો સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે."
રાજા કૃષ્ણમૂર્તિ : "આ પગલું સપ્લાય ચેઇનને બગાડી રહ્યું છે, અમેરિકન મજૂરોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને ગ્રાહકોના ખિસ્સા પર બોજ નાખી રહ્યું છે. ટેરિફ દૂર કરવાથી અમેરિકા-ભારત આર્થિક અને સુરક્ષા સંબંધો વધુ મજબૂત થશે."
કોંગ્રેસ VS પ્રમુખના કટોકટી અધિકારો
આ પ્રસ્તાવ યુએસ કોંગ્રેસના એક મોટા અભિયાનનો એક ભાગ છે, જેમાં ડેમોક્રેટ્સ (અને કેટલાક રિપબ્લિકન પણ) પ્રમુખના કટોકટીના અધિકારો (Emergency Powers) પર નિયંત્રણ લાવવા માંગે છે. સાંસદોનું કહેવું છે કે બંધારણ મુજબ વેપાર નીતિ બનાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે, પ્રમુખ પાસે નહીં. આ પ્રસ્તાવ હાલમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યો છે. જો તે પસાર થાય છે, તો સેનેટ (ઉપલું ગૃહ) માં પણ સમાન બિલ પર મતદાન થશે, અને વિશેષ બહુમતીથી પ્રમુખના વીટોને પણ ઓવરરાઇડ કરી શકાય છે.

