વૈશ્વિક સંતુલન માટે હાથી-ડ્રેગનનું સાથે આવવું આવશ્યક : મોદી
- ભારતે ચીન સાથેની સરહદના વિવાદના પ્રશ્નો ચર્ચામાં વચ્ચે ન લાવવા જોઈએ ઃ જીનપિંગ
- કૈલાસ માનસરોવર પ્રવાસને મંજૂરી, સીધી વિમાની સેવાની શરૃઆત બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો દર્શાવે છે ઃ મોદી
- વડાપ્રધાન મોદીએ આગામી વર્ષે બ્રિક્સ શિખર મંત્રણા માટે જિનપિંગને ભારત આવવા આમંત્રણ આપ્યું
- ભારત અને ચીન વિકાસના માર્ગમાં સાથી છે, એકબીજાના પ્રતિસ્પર્ધી નથી : પીએમ
તિયાનજિન: ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળીયે પહોંચ્યા છે ત્યારે ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે ઉત્તરીય ચીનના તિયેનજિન પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે, માનવતાના કલ્યાણ અને વૈશ્વિક સંતુલન માટે હાથી અને ડ્રેગનની મિત્રતા નિર્ણાયક છે. બીજીબાજુ જિનપિંગે પણ કહ્યું કે, મિત્ર બનવું, સારા પડોશી બનવું અને ડ્રેગન તથા હાથીનું સાથે આવવું ખૂબ જ જરૃરી છે.
કોરોના મહામારી અને ગલવાન હિંસાના કારણે ચીન સાથે સંબંધો વણસ્યા હતા, પરંતુ વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં રશિયાના કઝાનમાં બ્રિક્સ શિખર મંત્રણામાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકો થયા પછી બંને દેશના સંબંધોમાં આવેલી કડવાશ ઓછી થઈ હતી. હવે ઉત્તરીય ચીનના તિયેનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠક સાથે દ્વિપક્ષીય બેઠકના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે લગભગ એક કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો હતો. તેમણે સરહદ વિવાદ પર વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સમજૂતી, કૈલાસ માનસરોવર પ્રવાસને મંજૂરી અને બંને દેશો વચ્ચે સીધી વિમાની સેવા શરૃ થવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગયા વર્ષે કઝાનમાં આપણી ખૂબ જ સાર્થક ચર્ચા થઈ હતી.
આપણા સંબંધોને સકારાત્મક દિશા મળી હતી, સરહદ પર ડિસએન્ગેજમેન્ટ પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે. આપણા વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સરહદ સંચાલનના સંબંધમાં સહમતી બની છે.
પીએમ મોદીએ કહ્યું કે, કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૃ કરાઈ છે. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૃ થવા જઈ રહી છે. બંને દેશોના ૨.૮ અબજ લોકોના હિત આપણા સહયોગ સાથે જોડાયેલા છે.
આ સંપૂર્ણ માનવતાના કલ્યાણનો પણ માર્ગ છે. આપણે પરસ્પર વિશ્વાસ, સંવેદનશીલતા અને સન્માનના આધારે પોતાના સંબંધોને આગળ વધારવા માટે કટિબદ્ધ છીએ.
તેમણે ઉમેર્યું કે, ભારત અને ચીન વિકાસના સાથી છે, પ્રતિસ્પર્ધી નહીં. બંને દેશો વચ્ચે સંબંધોની પ્રગતિ માટે સરહદીય ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા અનિવાર્ય છે. ભારત અને ચીન બંને પોતાની રણનીતિક સ્વાયત્તતાનું પાલન કરે છે અને તેમના સંબંધોને કોઈ ત્રીજા દેશની દૃષ્ટિથી જોવા જોઈએ નહીં. બંને નેતાઓએ આતંકવાદ અને નિષ્પક્ષ વેપાર જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને ભારતમાં ૨૦૨૬ના બ્રિક્સ શિખર સંમેલનમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
ચીનના પ્રમુખ શી જિનપિંગે પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું, તમને ફરી મળીને આનંદ થયો. હું ચીનમાં એસસીઓ સમિટ માટે આપનું સ્વાગત કરું છું. ગયા વર્ષે આપણી કઝાનમાં થયેલી મુલાકાત સફળ રહી હતી.
જિનપિંગે રવિવારની મુલાકાતને પણ ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, દુનિયા અત્યારે મોટા પરિવર્તનોના સમયમાંથી પસાર થઈ રહી છે.
ચીન અને ભારત માત્ર બે સૌથી પ્રાચીન સભ્યતાઓ જ નથી, પરંતુ દુનિયાના સૌથી વધુ વસતીવાળા દેશ પણ છે અને વૈશ્વિક સાઉથનો ભાગ છે. તેમણે ઉમેર્યું કે, ભારત અને ચીનનું સાથે આવવું ખૂબ જ જરૃરી છે. મિત્ર બનવું, સારા પડોશી બનવું અને ડ્રેગન તથા હાથીનું એક સાથે આવવું ખૂબ જ જરૃરી છે. બંને નેતાઓએ પારસ્પરિક વેપાર ખાધ ઘટાડવા અને રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો.
- પીએમ મોદી અને જિનપિંગની દ્વિપક્ષીય બેઠક
- ચીન આતંકવાદ સામે લડવામાં ભારતને સાથ આપે : વડાપ્રધાન
- ભારત-ચીન બહુધુ્રવીય વિશ્વ લાવવા, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લોકતંત્ર લાવવા કામ કરે : પ્રમુખ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને હથિયાર બનાવી આખી દુનિયા અને વિશેષરૃપે બ્રિક્સ સંગઠનને નિશાન બનાવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શીન જિનપીંગ વચ્ચે રવિવારે દસ મહિનામાં બીજી દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ બેઠક પછી પીએમ મોદી અને જિનપિંગે ટ્રમ્પને ટાર્ગેટ કરતાં વિશ્વને એકપક્ષીયના બદલે બહુધુ્રવીય બનાવવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગ સાથેની બેઠકમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આતંકવાદ વૈશ્વિક જોખમ છે અને આ પડકારનો સામનો કરવા માટે બધા જ દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે ચીનને પણ બંને દેશોએ સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત લડાઈ લડવા પર ભાર મૂક્યો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદી અને પ્રમુખ શી જિનપિંગે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તથા પડકારો વિશેષરૃપે આતંકવાદ જેવા વિષયો પર સંયુક્ત સમજ વધારવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ઉમેર્યું કે, ભારત અને ચીને એકબીજાની સફળતામાં સહયોગી બનવું જોઈએ.
ચીનના પ્રમુખ શી જિનપિંગે કહ્યું કે બંને દેશોએ બહુધુ્રવીય વિશ્વ લાવવા અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લોકતંત્ર લાવવા કામ કરવું જોઈએ. બંને દેશોએ એશિયા અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપવાની ઐતિહાસિક જવાબદારીને આગળ વધારવી જોઈએ. બંને દેશોએ સંબંધોને રણનીતિક અને લાંબાસમયના દૃષ્ટિકોણથી સંભાળવા જોઈએ. ભારત અને ચીન એકબીજાના પ્રતિસ્પર્ધી નથી પરંતુ વિકાસના સાથી છે. ચીન સાથે દ્વિપક્ષીય બેઠકના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોની સ્થાયી સમિતિના સભ્ય કાઈ ક્યુ સાથે પણ બેઠક કરી હતી.