Get The App

ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં ગૂગલ-મેટાને ઈડીએ નોટિસ ફટકારી

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં ગૂગલ-મેટાને ઈડીએ નોટિસ ફટકારી 1 - image


- ઈડીની ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ પહેલી વખત વ્યાપક કાર્યવાહી

- બંને ટેક્નોલોજી કંપનીઓના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્કિલ બેઝ્ડ ગેમ મનાતી અનેક એપ્સની ગેરકાયદે સટ્ટાબાજીમાં સંડોવણી

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસ સંબંધિત તપાસના સંદર્ભમાં ટેક્નોલોજી જાયન્ટ ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને તેમની જાહેરાતો અને વેબસાઈટ્સને પોતાના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મહત્વ આપ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું કે, ગૂગલ અને મેટા પર આરોપ છે કે તેમણે આ બેટિંગ એપ્સને પ્રમોટ કરી અને ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત અને વેબસાઈટ્સને પોતાના પ્લેટફોર્મ પર વિશેષ સ્થાન આપ્યું હતું. ઈડીએ બંને કંપનીઓના પ્રતિનિધિઓને ૨૧ જુલાઈએ પૂછપરછ માટે તેડું મોકલ્યું છે.

ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના કેસમાં પહેલી વખત ભારતમાં કોઈ મોટી ટેક્નોલોજી કંપનીને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ઈડીની આ કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ ચાલી રહેલા વ્યાપક અભિયાનનો ભાગ છે, જેમાં અનેક મોટી સેલિબ્રિટીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે.

ઈડીનું આ પગલું દર્શાવે છે કે તપાસ હવે વધુ મોટા સ્તર પર થઈ રહી છે. આ પહેલા પણ અનેક ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગેરકાયદે સટ્ટાબાજી એપ્સનો પ્રચાર કરવાની બાબતમાં તપાસની રડારમાં આવી ચૂક્યા છે. ઈડી ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના એક મોટા નેટવર્કની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. તેમાંથી અનેક એપ્સ પોતાને 'સ્કિલ બેઝ્ડ ગેમ' ગણાવી હકીકતમાં ગેરકાયદે સટ્ટાબાજીમાં સંડોવાયેલ છે. માનવામાં આવે છે કે આ પ્લેટફોર્મ્સ મારફત કરોડો રૂપિયાની કાળી કમાણી કરાય છે, જેને તપાસ એજન્સીઓની નજરથી બચાવવા માટે જટિલ હવાલા ચેનરો મારફત સગેવગે કરવામાં આવે છે.

ગયા સપ્તાહે ઈડીએ ૨૯ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેમાં દક્ષિણના ખ્યાતનામ કલાકારો, ટીવી હોસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સમાવેશ થાય છે. તેમના પર ગેરકાયદે સટ્ટાબાજી એપ્સનો પ્રચાર કરવાનો આરોપ છે. ઈડીએ જેમની સામે કેસ કર્યો છે તેમાં પ્રકાશ રાજ, રાણા દુગ્ગુબાતી અને વિજય દેવરકોંડા જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

Tags :