'પાકિસ્તાનમાં જાન્યુઆરી 2024ના છેલ્લા અઠવાડિયામાં થશે સામાન્ય ચૂંટણી', ECPએ કર્યું એલાન
રાજકીય પક્ષો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટ માટે નિયમ બનાવાયો
ચૂંટણી પ્રચાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ચૂંટણી યોજાશે
Updated: Sep 21st, 2023
ઈસ્લામાબાદ, તા.21 સપ્ટેમ્બર-2023, ગુરુવાર
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી અંગે મોટા અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે જાન્યુઆરી-2024ના છેલ્લા સપ્તાહમાં સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે, મતવિસ્તારના સિમાંકન અંગેના કામ અંગે સમીક્ષા કરાયા બાદ સિમાંકન માટે પ્રથમ યાદી 27 સપ્ટેમ્બરે બહાર પડાશે. વાંધાઓ અને સૂચનો સાંભળ્યા બાદ 30 નવેમ્બરે અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. 54 દિવસનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ચૂંટણી યોજાશે.
Press Release - Updates regarding Delimitation and Upcoming General Elections #ECP pic.twitter.com/8NlfVzNTif
— Election Commission of Pakistan (OFFICIAL) (@ECP_Pakistan) September 21, 2023
રાજકીય પક્ષો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટ માટે નિયમ બનાવાયો
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીના આચાર સંહિતા અંગે ચર્ચા કરવા રાજકીય પક્ષો સાથે આગામી મહિને એક બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. ECPના જણાવ્યા મુજબ, ચૂંટણી અંગે અંતિમ નિર્ણય કર્યા પહેલા રાજકીય પક્ષો પાસેથી પ્રતિક્રિયા મેળવવા તેમને ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો હતો. ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, રાજકીય પક્ષો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટો કોઈપણ અભિપ્રાયનો પ્રચાર નહીં કરે. તેઓ પાકિસ્તાનની વિચારધારા, સંપ્રભુતા, અખંડતા, સુરક્ષા, નૈતિકતા, સાર્વજનિક વ્યવસ્થા અથવા અખંડતા પ્રત્યે અગાઉથી કોઈપણ નિર્ણય કરી શકશે નહીં....
આ વર્ષે ચૂંટણી કેમ ન યોજાઈ ? ECPએ જણાવ્યું કારણ
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનમાં તાજેતરમાં જ ડિજિટલ વસ્તી ગણતરી-2023 અંગે નોટિફિકેશન બહાર પડાયું હતું, જેને ધ્યાને રાખી ઈસીબીએ મતવિસ્તારોના નવા સિમાંકનની જરૂરીયાત હોવાની બાબતને ટાંકીને આ વર્ષે ચૂંટણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. દરમિયાન નેશનલ એસેમ્બલીએ તેના બંધારણીય કાર્યકાળની સમાપ્તીના 3 દિવસ પહેલા ભંગ કરી દીધો હતો, જે અંગે કલમ-224 મુજબ 7 સપ્ટેમ્બર સુધી વિધાનસભાના વિસર્જનના 90 દિવસની અંદર ચૂંટણી થવી જોઈએ, પરંતુ અન્ય ચૂંટણી અધિનિયમની કલમ 17(2)માં જણાવાયું છે કે, તમામ વસ્તી ગણતરી સત્તાવાર પ્રકાશિત થયા બાદ ચૂંટણી પંચ મતવિસ્તારોનું સિમાંકન કરશે.