- શનિવારે બપોરે 1 વાગે થયેલા આ ધરતીકંપને લીધે હજુ સુધી કોઈ જાનહાની થયાના કે માલ-મિલ્કતને નુકસાન થયાના સમાચાર નથી
ઈસ્લામાબાદ : પાટનગર ઈસ્લામાબાદની નજીક શનિવારે બપોરે ૧ વાગે રીકટર સ્કેલ પર ૫.૮ અંકનો ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર બિન્દુ ૧૦ કીમી હતું તેમ નેશનલ સેન્ટર ફોર એસ્મોલોજીએ જણાવ્યું હતું. જોકે આ ભૂકંપને લીધે કોઈ જાનહાની થયાના કે માલ-મિલ્કતને નુકસાન થયું હોવાના સમાચારો હજી સુધી પ્રાપ્ત થયા નથી. આ ધરતીકંપ ૩૩.૬૩ અક્ષાંશ (ઉત્તર) અને ૭૨.૪૬ રેખાંશ (પૂર્વ)માં નોંધાયો હતો.
આ ધરતીકંપની અસર જમ્મુ અને કાશ્મીરના શોળિયા, શ્રીનગર, વ.માં થઈ હતી.
પાકિસ્તાનના એ.આર.વાય. ન્યુઝે જણાવ્યું હતું કે ઈસ્લામાબાદ નજીક થયેલા આ ભૂકંપની અસર કરક, ચીનીઓર, મિયાંવાલી, હાફીઝાબાદ, શેખુપુરા, ગુજરાતવાલા, સાંગલાટીસ, સફદરાવાદ, પીંડી-બાટ્ટીયન અને અટકમાં થઈ હતી, લોકો ઘર અને ઓફિસોની બહાર તથા દુકાનોની બહાર ધસી ગયા હતા.
પાકિસ્તાનમાં જુદી જુદી માત્રામાં વારંવાર ભૂકંપ થયા કરે છે. તે પૈકી ૨૦૦૫માં ભયંકર ભૂકંપ થયો હતો. જેમાં ૭૪,૦૦૦ ના મોત થયા હતા.


