વેનેઝૂએલામાં ધરતીકંપ : રિક્ટર સ્કેલ ઉપર 6.2ની તીવ્રતા નોંધાઈ
- વેનેઝૂએલામાં મેને ગ્રાન્ડોમાં થયેલો આ ભૂકંપ માત્ર 7.8 કિ.મી. જ ઊંડેથી શરૂ થયો હતો : પાડોશી દેશ કોલંબિયામાં પણ ધરતીકંપના આંચકા
કારાકાસ : વેનેઝૂએલામાં આજે સવારે આશરે ૩.૫૧ વાગે, ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રનાં જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર પૂર્વ-ઉત્તરમાં હતું. ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર ૬.૨ની નોંધાઈ હતી અને તે માત્ર ૭.૮ કિલોમીટરની ઊંડાઈએ જ હતું.
હજી સુધીમાં પ્રાપ્ત થયેલા રીપોર્ટસ પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર મેને-ગ્રાન્ડો શહેરથી આશરે ૨૪ કિ.મી. દૂર પૂર્વ-ઉત્તરમાં હતું.
આ ભૂકંપના આંચકા પાડોશી દેશ કોલંબિયામાં પણ લાગ્યા હતા. તેથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું. જો કે હજી સુધી કોઈ મોટુ નુકસાન કે જાનહાની, વેનેઝૂએલા કે કોલંબિયામાં થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
વેનેઝૂએલાની સરકારે તો હજી સુધીમાં કોઈ વિશેષ માહિતી આપી નથી. પરંતુ અમેરિકી એજન્સીઓ જણાવે છે કે, ભૂકંપના આંચકા ઘણા ખતરનાક હતા. પરંતુ તેથી સુનામી ઉઠવાનો કોઈ ભય નથી, કે સમુદ્રનાં મોજાઓ પણ બહુ ઊંચા ઊછળ્યા નથી.
મેને ગ્રાન્ડે ક્ષેત્રનું મહત્વ તે છે કે, તે દુનિયાનો સૌથી મોટો તેલ-ભંડાર ગણાય છે.