World

રશિયામાં ફરી ભૂકંપ : 7.4ની તીવ્રતા નોંધાઈ ઉત્તર-પૂર્વમાં કામાશ્યટકા દ્વિપકલ્પ ફરી ધ્રુજી ઉઠયો

By GS TEAM
13 Sep 20252 mins read
રશિયામાં ફરી ભૂકંપ : 7.4ની તીવ્રતા નોંધાઈ ઉત્તર-પૂર્વમાં કામાશ્યટકા દ્વિપકલ્પ ફરી ધ્રુજી ઉઠયો

- તીવ્ર સુનામીની સંભાવનાની ચેતવણી જાહેર કરાઈ

- આ ભૂકંપ 30 જુલાઈએ આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપ પછી શરૂ થયેલી 'ભૂકંપ-શ્રેણી' પૈકીનો એક ભૂકંપ હોવાની શક્યતા

મોસ્કો : રશિયાના પૂર્વના ઉત્તરતળ ભાગે આવેલા કામાશ્યટકા દ્વિપકલ્પમાં આજે શનિવારે ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. અમેરિકાનાં જીયોલોજિકલ સર્વે (યુએસજીએસ) જણાવે છે કે, આ ભૂકંપ પેટ્રોપાવલોવસ્ક-કામયત્સ્કીથી ૬૯ માઇલ દૂર ૩૯.૫ મીટરની ઊંડાઈએ જ શરૂ થયો હતો. આ ભૂકંપ પછી તુર્તજ સ્થાનિક અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી દીધી હતી.

આ વિસ્તારના ગવર્નર વ્લાદીમીર સોલોદોવે પોતાની 'ટેલીગ્રામ-ચેનલ' પર જણાવ્યું કે, સુનામીની ચેતવણી જારી કરાઈ છે. નાગરિકોને તથા સહેલાણીઓને સમુદ્રતટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

જાપાનની વિજ્ઞાાન એજન્સીનો હવાલો આપતાં એન.એચ.કે. વર્લ્ડ જણાવે છે કે, કામાશ્યટકામાં થયેલા ભૂકંપને લીધે ઉત્તરના ટાપુઓના સમુદ્રતટે મામૂલી 'ચઢાવ-ઉતાર' વાળા મોજાં અથડાયા હતા. જોકે કોઈ નુકસાનની ભીતિ નથી.

રશિયાની સરકારી સમાચાર સંસ્થા 'રિયા-નોવોસી' જણાવે છે કે, આ ભૂકંપ ૩૦ જુલાઈએ કામાશ્યટકા દ્વિપકલ્પમાં આવેલા ૮.૮ની તીવ્રતા પ્રબળ ભૂકંપ પછી શરૂ થયેલી ભૂકંપની શ્રેણી પૈકીનો એક હોઈ શકે.

આ ભૂકંપની તીવ્રતા ૩૦મી જુલાઈના ભૂકંપની તીવ્રતા કરતાં ઓછી હતી, પરંતુ તે માત્ર ૧૨ માઇલની જ ઊંડાઈએ શરૂ થયો હોવાથી ધુ્રજારીઓ વધુ લાગતી હતી અને જોરદાર સુનામી પણ આવવાની શક્યતા વધી ગઈ હતી.

આ ભૂકંપની જાન-માલને કેટલું નુકસાન થયું હશે તે હજી જાણી શકાયું નથી કારણ કે ભૂકંપ પછીના નાના-મોટા આફટર શોક્સ ચાલુ છે. ૩૦મી જુલાઈએ આવેલો ૮.૮ની તીવ્રતાનો ભૂકંપ એટલો જોરદાર હતો કે તેથી ઊભા થયેલા સુનામી છેક દ.અમેરિકાનાં ચીલી સુધી પહોંચ્યા હતા.