Get The App

મ્યાનમારમાં ફરી ભૂકંપ : તીવ્રતા 5.1 લોકો ઘરબાર છોડી ખુલ્લામાં દોડી ગયા

Updated: Mar 31st, 2025

GS TEAM

Google News
Google News
મ્યાનમારમાં ફરી ભૂકંપ : તીવ્રતા 5.1 લોકો ઘરબાર છોડી ખુલ્લામાં દોડી ગયા 1 - image

- ભારતીય રાહત ટુકડીઓએ જીવ સટોસટ બચાવ ઝુંબેશ ઉપાડી

માંડલે : મ્યાનમારનાં મધ્યસ્થ નગર અને બીજાં સૌથી મોટા આ શહેર માંડલેમાં ૫.૧નો ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. શનિવારે રાત્રે લાગેલા આ આંચકા અંગે યુનાઇટેડ સ્ટેટસ્ જીયોલોજિકલ સર્વે (યુએચજીએસ) જણાવે છે કે વાસ્તવમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ અંકના પ્રચંડ આંચકા પછીના આફટર શોક્સના ભાગરૂપે આ ધરતીકંપ થયો હોવાનું બની શકે.

શુક્રવારે ૭.૭ના પ્રચંડ આંચકા અને આફટર શોક્સથી અનેક મકાનો ધરાશાયી થયા છે : પૂલો માર્ગો તૂટી ગયા છે, મૃત્યુઆંક ૧૬૦૦ ઉપર પહોંચ્યા છે : ૩,૪૦૦ લાપત્તા છે : મૃત્યુઆંક વધવાની ભીતિ છે

આ ધરતીકંપથી લોકો બ્હાવરા બની ઘરોની બહાર નીકળી ખુલ્લામાં દોડી ગયા હતા. શેરીઓ અને માર્ગોમાં બચવા માટે મદદની ચીસો પાડતાં લોકો બહાર દોડી જતા દેખાતા હતા.

દરમિયાન ભારતે મોકલેલી રાહત ટુકડીઓ જીવસટોસટના ખેલ ખેલી રહી છે, અને બચાવ તથા રાહત કાર્યમાં વ્યસ્ત બની છે. સત્તાવાળાઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે, અને વધુ કંઈ નુકસાન નથી થતુંને તે જોઈ રહ્યા છે.

શુક્રવારે બપોરે મ્યાનમારમાં ૭.૭ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ થયો હતો. તેથી ઓછામાં ઓછાં ૧૬૦૦થી વધુના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ૩૪૦૦ હજી લાપત્તા છે, મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ભૂકંપે દેશમાં વ્યાપક નુકસાન કર્યું છે. અસંખ્ય માર્ગો તૂટી ગયા છે. પુલો તૂટયા છે, સંદેશ વ્યવહાર, વીજળી ઠપ્પ છે. તેમાં દેશમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હોવાથી પરિસ્થિતિ વધુ ગુંચવાઈ ગઈ છે.

૧૫ લાખની વસ્તી ધરાવતાં દેશનાં મધ્યસ્થ નગર માંડલેમાં લોકો આખી રાત ઘરની બહાર ગાળી હતી. કારણ કે તેઓને ભીતિ હતી કે ફરી આંચકા આવશે તો તૂટયાં ફુટયાં ઘરો પણ ધરાશાયી થશે. શહેરનું એરપોર્ટ પણ ભારે અસરગ્રસ્ત છે.

બાજુનાં થાયલેન્ડમાં પણ ભૂકંપનાં આંચકા લાગ્યા હતા જેમાં ઓછામાં ઓછાં ૧૭ના મૃત્યુ નોંધાયા છે.

શુક્રવારે ૭.૭નો ભયંકર ભૂકંપ થયો હોવા છતાં આ અશાંત દેશમાં ગૃહયુદ્ધ હાથ બહાર જઈ રહ્યું છે. ૨૦૨૧થી ત્યાં આંતર-વિગ્રહ ચાલે છે તે સમયે આંગ સુકીની ચૂંટાયેલી સરકારને ઉથલાવી લશ્કરી જુન્ટાએ (ચીનની દોરવણીથી) સત્તા હાથ કરી લીધી. આ સાથે દેશમાં વ્યાપક સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો છે. સરકારી દળોએ દેશના વિશાળ વિસ્તાર ઉપરથી કાબુ ગુમાવી દીધો છે. ગૃહયુદ્ધ ચાલતું હોવાથી સહાય કર્મીઓને પણ નુકસાન થયેલા વિસ્તારો સુધી પહોંચવું ભારે મુશ્કેલ બન્યું છે. યુએન જણાવે છે કે આ ગૃહયુદ્ધને લીધે ૩૦ લાખ લોકો તો સ્થળાંતરિત થયા છે તે પૈકી ૨૦ લાખ લોકોને તો તત્કાળ માનવીય સહાયની જરૂર છે.

ભૂકંપ થયો તે પહેલાંથી જ મીલીટરી જુન્ટાએ ગૃહયુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સહાય પહોંચાડવા ઉપર અંકુશ મુકી દીધો હતો. મીલીટરી જુન્ટા અત્યારે વર્ષોથી સક્રિય રહેલા જાતિવાદી જુથો અને નવા રચાયેલા લોકશાહી તરફી પીપલ્સ ડીફેન્સ ફોર્સીસ (પીડીએફ) વચ્ચે લડાઈ ચાલી રહી છે, તેથી ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પણ માનવીય સહાય મોકલવી અત્યંત મુશ્કેલ બની છે, તેની વચ્ચે ભારતીય સહાયકારો કામ કરી રહ્યાં છે.