ડ્યુટી ફ્રી દારૂ પી મુસાફરે ફ્લાઈટમાં ધમાલ મચાવી, ચાલુ ઉડાને ઈમરજન્સી ગેટ ખોલવા ગયો અને...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

London Flight Viral Video: લંડનની એક ફ્લાઈટનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બ્રિટિશ મુસાફર નશામાં ધૂત થઈને ચાલુ ઉડાને ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેને આમ ન કરવા માટે વારંવાર કહ્યું પરંતુ આ મુસાફર ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરતો રહ્યો, તેથી કેબિન ક્રૂને કાર્યવાહી કરવાની ફરજ પડી. કેબિન ક્રૂ મેમ્બર્સે આ વ્યક્તિને કાન પકડીને ખેંચ્યો, પરંતુ જ્યારે તે ન માન્યો ત્યારે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.
ડ્યુટી ફ્રી દારૂ પી મુસાફરે ફ્લાઈટમાં ધમાલ મચાવી
એક અહેવાલ પ્રમાણે આ વ્યક્તિએ વિમાનમાં ચઢતા પહેલા ખૂબ જ ડ્યુટી-ફ્રી દારૂ પીધો હતો અને એટલો નશો કર્યો હતો કે તે ઊભો પણ નહોતો રહી શકતો. વિમાનના લેન્ડિંગ બાદ ફ્રાંસીસી અધિકારીઓ તેને ઉતારવા માટે વિમાનમાં ચઢી ગયા.
પાયલટ પાસે લેન્ડિંગ સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો
વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ વિમાનમાં હાજર અધિકારીઓની વાત નથી માની રહ્યો. જ્યારે તે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે એક અધિકારી તેને કાબૂમાં લેવા માટે કાન પકડીને પાછળ ખેંચે છે. ત્યારબાદ વિમાનમાં રહેલા અન્ય મુસાફરો તાળીઓ પાડવા લાગે છે. એક પોલીસ સૂત્રએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'જ્યારે એશલે-લૉજે ઈમરજન્સી એક્ઝિટ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પાયલટ પાસે વિમાનને લેન્ડ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો.'
ભાનમાં આવતા કલાકો લાગ્યા
કથિત રીતે તેમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ એટલું વધારે હતું કે, પૂછપરછ માટે તેને ભાનમાં આવતા કલાકો લાગ્યા હતા. એશલે-લૉજ ચાર સાથીઓ સાથે બેચલર પાર્ટી ટ્રીપ પર ગયો હતો, જેમાંથી એકે તેનો દીકરો હોવાનો દાવો કર્યો હતો. તમામ પાંચેયને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા, જોકે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તેમના પર ઔપચારિક આરોપો મૂકવામાં આવશે કે નહીં.








