ઈરાનમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ : પાણીની અસામાન્ય ખેંચને લીધે જનજીવન ખોરવાયું

- હજી સુધીની સરેરાશનો 40 ટકા જ વરસાદ થયો છે : આગ ઝરતી ગરમીમાં અચાનક વીજળીકાપ : અન્ય ઈન્ફ્રાસ્ટકચર્સ પણ કટોકટીમાં મૂકાયા
તહેરાન : ઈરાનમાં હજી સુધીમાં સરેરાશનો ૪૦ ટકા જેટલો જ વરસાદ થતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વ્યાપી રહી છે. પાણીની અસામાન્ય તંગીને લીધે રોજીંદું જનજીવન પણ ખોરવાઈ ગયું છે, આ સાથે અર્થતંત્રની પાયાની જરૂરિયાતો (ઈન્ફ્રાસ્ટકચર્સ) ઉપર પણ માઠી અસર થઈ છે.
આ માહિતી આપતાં 'અલ્-જાઝીરા' જણાવે છે કે, દેશમાં વીજળીની પણ ભારે કટોકટી ઉભી થઈ છે. ગમે ત્યારે વીજકાપ આવી પડે છે. બે-બે કલાક સુધી વીજકાપ રહે છે. ૪૪ વર્ષીય સારા નામક ડિજીટલ માર્કેટર જણાવે છે કે, 'હું રોજ સવારે ૬ વાગે મારો મોબાઈલ ચેક કરી તપાશું છું કે કેટલા વાગે વીજકાપ શરૂ થશે. પરંતુ તેમાં પણ ઘણીવાર નિરાશા ઉપજે છે કે, સત્તાવાર રીતે દર્શાવાયેલા સમય કરતાં વીજકાપ વહેલો શરૂ થઈ જાય છે.' વીજકાપને લીધે પંખા કે એરકન્ડીશનર્સ ચાલતાં હોતાં નથી. તેમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી સેલ્સિયસ વટાવી જાય છે.
ઈરાનની વીજ કટોકટી બે કારણોસર થઈ છે એક તો તેના વિદ્યુત ઉત્પાદક કેન્દ્રો જૂના છે. તેઓ ફોસિલ-ફયુએલ (ડીઝલ વ.) ઉપર આધારિત છે. તેની ૮૫ ટકા વીજળી ફોસિલ-ફ્યુએલ આધારિત છે. માત્ર ૧૩ ટકા વીજળી 'હાઈડ્રો-પાવર' આધારિત છે. બીજી બે ટકા વીજળી રીન્યુએબલ તથા ન્યુક્લિયર પાવર આધારીત છે.
ઈરાન પાસે અઢળક ગેસ અને ઓઈલના ભંડારો છે પરંતુ દાયકાઓથી લાગેલા પ્રતિબંધો અને ઘણાં ઓછા મૂડી રોકાણને લીધે પાવર પ્લાંટ્સ તેમજ ટ્રાન્સમિશન નેટવર્કની ઉણપને લીધે ઈરાન તેને જરૂરી તેટલી વિદ્યુત ઉભી કરી શકતું નથી. ફ્યુએલ સપ્લાઈ ઓછો હોવાથી કેટલાંક પાવર સ્ટેશન્સને માઝતુ તરીકે ઓળખાતાં હલકા ફોસિલ ફ્યુએલ પર આધાર રાખવો પડે છે. પરંતુ તેથી પાવર હાઉસનાં સયંત્રોને થોડું નુકસાન પણ થાય છે.
આ પરિસ્થિતિમાં ઈરાનીઓને અચાનક થતાં બ્લેક-આઉટસર અને અનિશ્ચિત બની રહેલી પાણીની સ્થિતિને લક્ષમાં રાખી દિવસનું આયોજન કરવું પડે છે. જેટલો સમય પાણી મળે તેટલા સમયમાં પાણીનાં પીપ ડોલ વ. ભરી લેવા પડે છે. નાના ઠામ-વાસણમાં પણ પાણી ભરી રાખે છે.









