World

ટ્રમ્પ ટેરિફ-ટેરરના પગલે દોવલ મોસ્કોમાં પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે પણ મુલાકાત

By GS TEAM
8 Aug 20252 mins read
ટ્રમ્પ ટેરિફ-ટેરરના પગલે દોવલ મોસ્કોમાં પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે પણ મુલાકાત

- આ પૂર્વે અજિત દોવલ 'રશિયન સિક્યુરિટી કાઉન્સીલ સેક્રેટરી' સર્જી શોઈગુનને મળ્યા : જેમણે કહ્યું ભારત-રશિયા મૈત્રી સબળ છે

મોસ્કો : ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનને મળ્યા હતા, તેમ ભારત સ્થિત રશિયન દૂતાવાસે ગુરૂવારે સાંજે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 'ટેરિફ-ટેરર' બાદ લગભગ તુર્તજ યોજાયેલી દોવલની મોસ્કો મુલાકાતને જાણકારો ગંભીરતાથી લઈ રહ્યા છે. અજિત દોવલ બુધવારે જ મોસ્કો આવી પહોંચ્યા હતા. તેઓએ તેમના સમકક્ષ રશિયન સિક્યુરીટી કાઉન્સીલ સેક્રેટરી સર્જી શોઈગુન સાથે ઊર્જા, સંરક્ષણ સહકાર સહિત બહુવિધ બાબતો અંગે કરારો કર્યા હતા. તેમજ પ્રમુખ પુતિનની આ વર્ષના અંત ભાગમાં યોજાનારી ભારતની મુલાકાત વિષે પણ ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત ઉપર ભારે ટેરિફ લાદ્યો છે તે સંદર્ભમાં દોવલની મોસ્કો મુલાકાત મહત્વની બની રહી છે.

બીજી તરફ ટ્રમ્પે રશિયા ઉપર પણ અનેકવિધ પ્રતિબંધો લાદ્યા છે. સાથે હજી વધુ પ્રતિબંધો લાદવાનું પુતિનને આખરીનામું આપતાં કહ્યું હતું કે, 'જો યુક્રેન પર આક્રમણ બંધ નહીં કરો તો, હજી પણ વધુ પ્રતિબંધો માટે તૈયાર રહેજો.'

ટૂંકમાં રશિયા-અમેરિકા સંબંધો પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, ત્યારે અજિત દોવલની મોસ્કોની મુલાકાત અને પ્રમુખ પુતિન સાથેની મુલાકાત મહત્વની બની રહી છે.

પ્રમુખ પુતિનને મળ્યા પહેલાં અજિત દોવલ 'રશિયન-સિક્યુરીટી-કાઉન્સીલ- સેક્રેટરી' સર્જી શોઈગુને પણ મળ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેની મૈત્રી પ્રબળ અને સમયની અણીએ પણ ખરી ઉતરી છે. બંને વચ્ચે ઊર્જા અને સંરક્ષણ સહિત, વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ સહકાર સ્થાપવા વિષે સઘન મંત્રણા થઈ હતી. આ પછી દોવલ પ્રમુખ પુતિનને પણ મળ્યા હતા.

પુતિને ત્યાં સુધી જણાવ્યું હતું કે તેઓ પ્રમુખ ટ્રમ્પ સાથે દોહામાં મળવા તૈયાર છે.

અજિત દોવલે પુતિન સાથેની મુલાકાત દરમિયાન તેઓને ભારત મુલાકાત લેવાનું વિધિવત આમંત્રણ આપ્યું હતું જે તેઓએ સ્વીકાર્યું પણ હતું જેને પગલે તેઓ આ વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લેવા સહમત થયા હતા.