Doomsday plane News : વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ બદલાયેલું લાગી રહ્યું છે. ગ્રીનલેન્ડથી માંડીને ઈરાન સુધી વિશ્વના અનેક દેશો ટ્રમ્પની રડાર પર છે. બીજી તરફ અમેરિકાના આકાશમાં કંઇક એવું જોવા મળ્યું કે જેના કારણે સમગ્ર વિશ્વનું ધ્યાનાકર્ષિત કર્યું છે. 51 વર્ષ બાદ અમેરિકાના ટોપ સિક્રેટ ડૂમ્સ ડે પ્લેન લોસ એન્જલસમાં લેન્ડ થયું છે.
અમેરિકન સૈન્ય વિમાન E-4B નાઇટવોચને ડૂમ્સડે પ્લેન અથવા ફ્લાઇટ પેન્ટાગન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ વિમાન અમેરિકન સૈન્ય હવાઇમથકો પર ઉડતું જોવા મળે છે અને તેને જોવું ખુબ જ દુર્લભ છે. જો કે અમેરિકન ઇતિહાસમાં પહેલીવાર ડૂમ્સ ડે પ્લેન અમેરિકાના મુખ્ય એરપોર્ટ લોસ એન્જલસ એરપોર્ટ પર લેન્ડ કરતું જોવા મળ્યું હતું.
પ્લેન ઉડતા જ અટકળો
ડૂમ્સ ડે પ્લેને 6 જાન્યુઆરી નેબ્રાસ્કા ઓમાહા ખાતે ઓફ્ટ વાયુસેના મથકથી ઉડ્યું હતું. આ પ્લેન પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં લેન્ડ થયું અને ત્યાર બાદ 8 જાન્યુઆરી વોશિંગ્ટનથી લોસ એન્જલસ માટે રવાના થયું હતું. આ પ્લેનનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ અનેક નિષ્ણાતો ઇરાન પર હુમલાની આશંકા હવે કન્ફર્મ ગણાવી રહ્યા છે. જો કે અમેરિકાએ હજી સુધી એવા કોઈ પણ પ્રકારના દાવાની પુષ્ટિ કરી નથી.
શું છે ડૂમ્સ ડે પ્લેન?
‘ડૂમ્સડે પ્લેન’ યુએસ એરફોર્સનું E-4B વિમાન છે, જે પરમાણુ યુદ્ધ અથવા રાષ્ટ્રીય આપત્તિ દરમિયાન એરબોર્ન કમાન્ડ સેન્ટર તરીકે સેવા આપવા માટે બનાવવામાં આવ્યું છે. E-4B એક અત્યંત અત્યાધુનિક બોઇંગ 747-200 વિમાન છે. કટોકટીના સમયમાં એ ‘નેશનલ એરબોર્ન ઓપરેશન સેન્ટર’ (NAOC) તરીકે સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. ચોવીસ કલાક કાર્યરત રહી શકતા આ રહસ્યમય વિમાનને ‘નાઇટવોચ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૂમ્સ ડે એટલે કયામતનો અથવા પ્રલયનો દિવસ. માનવજાતના અંતથી મોટી કયામત તો કઈ હોઈ શકે? એટલે અમેરિકા માટે કટોકટીનો સમય હોય એવી પરિસ્થિતિમાં કામ આપતું વિમાન તે ડૂમ્સ ડે પ્લેન.
ડૂમ્સ ડે પ્લેનની વિશેષતા
અમેરિકાના સંરક્ષણ વિભાગનું મુખ્ય મથક ‘પેન્ટાગોન’ છે. ડૂમ્સ ડે વિમાન હવામાં સવાર થયા બાદ હરતું-ફરતું ‘પેન્ટાગોન’ બની જાય છે, કેમ કે તે યુએસ પ્રમુખ સહિત અમેરિકાની સંરક્ષણ પાંખોના ઉચ્ચાધિકારીઓ લઈને હવામાંથી જ યુદ્ધ જેવી સ્થિતિ સંચાલિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પરમાણુ યુદ્ધ જેવી વિનાશક સ્થિતિમાં જમીન પરની સુવિધાઓનો નાશ થાય તો પણ ડૂમ્સ ડેમાં બેઠાં બેઠાં અમેરિકન સૈન્ય દળને નિયંત્રિત કરવાનું કામ કરી શકાય છે. તેથી જ તો E-4Bને ‘નાઇટવોચ’ જેવું ઉપનામ મળ્યું છે.
હવામાં ઉડતી વખતે આ વિમાન પરમાણુ સબમરીન, બોમ્બર વિમાનો અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો સાથે સીધો સંપર્ક કરી શકે છે.
ડૂમ્સ ડે પ્લેન ખૂબ જ ઓછા આવર્તન (VLF – વેરી લૉ ફ્રીક્વન્સી) અને ઉચ્ચ આવર્તન (HF – હાઇ ફ્રીક્વન્સી) એન્ટેનાથી સજ્જ છે, જેને લીધે આ વિમાન પરમાણુ સંઘર્ષ દરમિયાન પણ વૈશ્વિક સંદેશાવ્યવહાર કરી શકે છે.
ડૂમ્સ ડે પ્લેન અનેક દિવસો સુધી હવામાં ઊડતું રહી શકે છે, કારણ કે તે ચાલુ ફ્લાઇટમાં ઇંધણ ભરવાની ટૅકનોલૉજી ધરાવે છે.
આ વિમાનમાં 110 થી વધુ માણસોને સમાવવાની ક્ષમતા છે.
E-4B શા માટે હવાઈ કિલ્લો ગણાય છે?
ડૂમ્સ ડે વિમાન પરમાણુ વિસ્ફોટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP) અને ઈલેક્ટ્રોનિક યુદ્ધના અન્ય સ્વરૂપોનો સામનો કરવા સક્ષમ છે. વિમાનની EMP પ્રત્યેની સંવેદનશીલતા ઘટે એ માટે વિમાનના મહત્ત્વપૂર્ણ વિસ્તારોમાં બારીઓ પણ નથી બનાવાઈ. વિમાનમાં કવચ વાળું વાયરીંગ કર્યું છે, જેથી ગંભીર પરિસ્થિતિમાં પણ તેનું સંચાલન ચાલુ રાખી શકાય. આવા બધા લક્ષણોને કારણે જ ડૂમ્સડે વિમાનને ‘હવાઈ કિલ્લો’ પણ કહેવામાં આવે છે.
ડૂમ્સ ડે પ્લેનને સતત અપડેટેડ રખાય છે
આધુનિક ડિજિટલ સંદેશા વ્યવહાર વિના વિઘ્ને ચાલતો રહે અને વિમાનને સતત સાયબર સંરક્ષણ મળતું રહે, એ માટે ડૂમ્સ ડે પ્લેનની તમામ સિસ્ટમોને નવીનતમ ટેક્નોલોજીકલ આવિષ્કારો સાથે સતત અપડેટેડ રાખવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ વિદેશ યાત્રા જાય ત્યારે એરફોર્સ વન વિમાન જ વાપરતા હોય છે, પણ જો કોઈક કારણસર એર ફોર્સ વન કામ આપવા સક્ષમ ન હોય તો તેના બેકઅપ તરીકે ડૂમ્સ ડે પ્લેનનો ઉપયોગ થતો હોય છે. અમેરિકન લશ્કરના કમાન્ડરો પણ વિવિધ મિશન માટે આ વિમાનનો ઉપયોગ કરે છે.
ડૂમ્સ ડે પ્લેન પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકે છે?
નામ જ પ્રલયની યાદ અપાવે એવું હોવાથી આ વિમાન વિશે એક એવી માન્યતા ફેલાયેલી છે કે તે પરમાણુ શસ્ત્રો પણ લોન્ચ કરી શકે છે. જોકે, એ સત્ય નથી. ડૂમ્સડે પ્લેન એક કમાન્ડ સેન્ટર છે, શસ્ત્રો છોડવા કે લાવવા-લઈ જવાનું પ્લેટફોર્મ નથી.
9/11 પછી ડૂમ્સ ડે દેખાતા અફવાઓ ફેલાઈ હતી
11 સપ્ટેમ્બર, 2001 ની સવારે બે કોમર્શિયલ જેટ ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવર સાથે અથડાયા હતા. એ ઘટના બન્યા પછી વોશિંગ્ટન ડીસીના આકાશમાં સફેદ રંગના એક મોટું પ્લેને દેખાયું હતું. એ ડૂમ્સ ડે પ્લેન હતું. અમેરિકન પ્રમુખના રહેઠાણ વ્હાઇટ હાઉસની આસપાસનો વિસ્તાર હવાઈ ઉડ્ડયન માટે પ્રતિબંધિત હોવા છતાં એ વિસ્તારમાં ડૂમ્સ ડે પ્લેન દેખાતા લોકો જાતભાતની અટકળો લગાવવા લાગ્યા હતા.
ડૂમ્સ ડે પ્લેન શા માટે બનાવાયું હતું?
સોવિયેત યુનિયન (હાલમાં રશિયા) અને અમેરિકા વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન ડૂમ્સ ડે પ્લેન વિકસાવવામાં આવ્યું હતું. 1970 ના દાયકાથી તેની સેવા લેવામાં આવી રહી છે. રશિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાના ખતરાને પહોંચી વળવા માટે અમેરિકાએ ડૂમ્સ ડેનું નિર્માણ કરાવ્યું હતું. શીત યુદ્ધ દરમિયાન ઓછામાં ઓછું એક ડૂમ્સ ડે પ્લેન હંમેશા હવામાં ઊડતું રહેતું હતું. જોકે, સોવિયેત યુનિયનના પતન પછી E-4B હવે 24 કલાક હવામાં નથી રહેતું.
25 વર્ષ પહેલા દેખાયું હતું આ પ્લેન
ડૂમ્સ ડે પ્લેનને આખરે 11 સપ્ટેમ્બર 2001 માં અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ઉડ્યું હતું. આ હુમલામાં 3 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે ડૂમ્સ ડે પ્લેન નો ઉપયોગ કર્યો હતો.


