- યુક્રેન અંગે ટ્રમ્પ ચીનની મદદ ઇચ્છે છે
- પૂર્વે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ હંગેરીનાં બુડા પેસ્ટમાં યુક્રેન અંગે પુતિન સાથે મંત્રણા કરવા માગે છે : આલાસ્કામાં બંને વચ્ચે શિખર મંત્રણા થઇ હતી
વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેઓ તેમનો સમય બગાડવા નથી માગતા અને પ્રમુખ પુતિનને પણ મળવા નથી માગતા. એરફોર્સ-૧માં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ આ પ્રમાણે કહેવા સાથે વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન અંગે તેઓ ચીનની મદદ લેવા ઇચ્છે છે.
આ પહેલાં આ માસની શરૂઆતમાં ટ્રમ્પે જ કહ્યું હતું કે હંગેરીનાં પાટનગર બુડા પેસ્ટમાં, તેઓ પુતિન સાથે મંત્રણા કરવા માગે છે. પરંતુ આલાસ્કામાં યોજાયેલી શિખર પરિષદ સફળ રહી નહીં. આ પછી ટ્રમ્પે કહ્યું હતું કે તે સમયે મને આશા હતી કે યુક્રેન અંગે કોઈ સમજૂતી થઇ જશે. પરંતુ તેમ ન બન્યું. અમારી મંત્રણાઓ હતાશાજનક બની રહી. આથી હવે હું પુતિન સાથે મંત્રણા કરી મારો સમય વેડફવા નથી માગતો. પહેલાં તો, બંને નેતાઓએ તે મંત્રણા સફળ રહી હોય તેમ પણ કહ્યું હતું અને સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન પણ કર્યું હતું. ત્યારે બીજી શિખર પરિષદ યોજવા બંને સહમત પણ થયા હતા, અને પુતિને ટ્રમ્પને મોસ્કો આવવા આમંત્રણ પણ આપ્યું હતું. જ્યાં બીજી શિખર પરિષદ યોજવા પણ જણાવ્યું હતું. પરંતુ પુતિન તેની માગણીઓમાં ટસથી મસ થતા નથી. તેથી આગળનો માર્ગ જ અવરોધાઈ ગયો છે.
આ સંયોગોમાં પ્રમુખ ટ્રમ્પ ચીનની મદદ ઇચ્છે છે. રશિયાનું સૌથી વધુ ક્રૂડ ચીન ખરીદે છે. તે પછીના ક્રમે ભારત છે. ટ્રમ્પ સતત કહેતા રહ્યા છે કે ચીન અને ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવું બંધ કરવું જોઇએ. તેમ ન કરતાં ટ્રમ્પે ભારત ઉપર વધારાનો ૨૫ ટકા ટેરિફ પણ લગાડયો છે.
ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફરી એકવાર કહ્યું હતું કે ભારત પાક. યુદ્ધ તેઓએ જ અટકાવ્યું છે. ભારત તેનો અસ્વીકાર કરતાં કહે છે કે તે યુદ્ધ બંધ કરવામાં ટ્રમ્પની કોઈ ભૂમિકા જ ન હતી. પાકિસ્તાનના ઓફીસર કમાન્ડીંગની વિનંતિથી તે યુદ્ધ બંધ રહ્યું હતું.


