- ઇરાનના વિદેશમંત્રી અરાઘચીએ કહ્યું : ઇરાન હંમેશા મંત્રણા માટે તૈયાર જ છે; પરંતુ અમેરિકા તેમાંથી છટકી રહે છે
તહેરાન : ઇરાનમાં મોંઘવારી, બેકારી અને બેફામ ફુગાવા વિરૂદ્ધ ચાલી રહેલાં રમખાણો હજી શમ્યાં નથી. જન સામાન્ય મુલ્લાંઓનાં નેતૃત્વ નીચેની સરકારની સામે મેદાને પડી છે. દેશમાં છેલ્લા કેટલાયે દિવસોથી અશાંતિ પ્રવર્તી રહી છે જે અરાજકતા અને અંધાધૂધી તરફ દેશને ઢસડી રહી છે. આવા તંગદિલીભર્યા સમયમાં પણ ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચીએ બુધવારે પ્રમુખ ટ્રમ્પ ઉપર ભારે પ્રહારો શરૂ કર્યા હતા અને કહ્યું હતું કે ૨૦૨૫નાં ઇરાન-ઇઝરાયલનાં ૧૨ દિવસના યુદ્ધ અમેરિકાએ પણ જે હવાઈ તેમજ મિસાઇલ હુમલા કર્યા હતા. તેની યાદ આપતા અરાઘચીએ બુધવારે ટ્રમ્પને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેવી ભૂલ ફરી ન કરતા.
ફોક્સ ન્યૂઝના હોસ્ટ બ્રેટ બેરિયરને આપેલી મુલાકાતમાં જ્યારે તેઓને કહેવામાં આવ્યું કે પ્રમુખ ટ્રમ્પ દેખાવકારોને એક યા બીજી રીતે કોઈપણ પ્રકારની મદદ કરવા માગે છે, તો તે અંગે તમારે શો સંદેસો ટ્રમ્પને આપવાનો છે ?
ત્યારે હોસ્ટ બ્રેટ બેરિયરના તે પ્રશ્નના ઉત્તરમાં અરાઘચીએ કહ્યું મારો સંદેશો તે છે કે તમે જૂન મહીનામાં કરી હતી તેવી ભૂલ ફરી ન કરતા. તમે સમજો જ છો કે જો તમે પ્રયત્ન કરો અને નિષ્ફળ જાવ છતાં તમે તેમજ ફરી ફરીને કર્યા જ કરો તો પરિણામ તેનું તે જ (નિષ્ફળતા) આવે.
તેમણે વધુમાં કહ્યું કે, 'તમે જાણો છો કે તમે સુવિધાઓ ખતમ કરી હતી, યંત્રો સંયંત્રો તોડી નાખ્યા હતા, પરંતુ ટેકનોલોજીનાં જ્ઞાાન પર તો બોમ્બમારો કેમ થઇ શકે ?'
ઇરાનના વિદેશમંત્રીએ અમેરિકા ઉપર આક્ષેપ મુકતાં કહ્યું કે ઇરાન તો રાજદ્વારી મંત્રણાઓ માટે તૈયાર છે. છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન તેણે તે સાબિત કરી આપ્યું છે. પરંતુ અમેરિકા હંમેશા મંત્રણામાંથી છટકતું રહ્યું છે.
અંતમાં તેઓએ કહ્યું હતું કે મારો સંદેશો પૂછો તો તે એ છે કે યુદ્ધ અને રાજદ્વારી કાર્યવાહીમાં યુદ્ધ કરતાં રાજદ્વારી કાર્યવાહી જ સાચો અને સારો માર્ગ છે.


