ભારત સાથે સંઘર્ષ કરતા નહીં : પાકના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વડાપ્રધાન શહબાઝ શરીફને ચેતવણી
- પહેલગાવ હુમલા પછી તે અંગે ભારત સાથે રાજદ્વારી રીતે કામ લેવા નવાઝે કહ્યું અને સિંધુ જળ સહિત કોઈપણ મુદ્દે સંઘર્ષ નિવારવા સૂચવ્યું
ઈસ્લામાબાદ : પહેલગાવ આતંકી હુમલા પછી દુનિયાભરમાં પાકિસ્તાન વિરૂદ્ધ વંટોળ ઉભો થયો છે. પાકિસ્તાન વારંવાર કહે છે કે તે હુમલામાં અમારો હાથ નથી પરંતુ દુનિયાનો કોઈ દેશ તે માનવા તૈયાર નથી.
ભારતે વળતાં પગલાંના ભાગરૂપે પાકિસ્તાનના નાગરિકો જેઓ ભારતમાં આવ્યા હતા, તેઓના વિસા તત્કાળ અસરથી રદ કર્યા છે. પાકિસ્તાનનાં હાઈ કમીશનનો સ્ટાફ ઘટાડી નાખવા હાઈ કમિશનરને આદેશ આપી દીધો છે. સાથે સિંધુ નદીનો જળ પ્રવાહ રોકવા ભારતે લીધેલો નિર્ણય પાકિસ્તાનને ભારે પડે તેમ છે. તેથી તેને સિંચાઈ તથા પીવાનાં પાણીની પણ ખેંચ ઊભી થાય તેમ છે. આથી ધૂંધવાયેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ધમકી આપી દીધી છે. જ્યારે એક અન્ય મંત્રીએ તો પરમાણુ યુદ્ધ છેડવાની ધમકી આપી દીધી છે.
આ સંયોગોમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે તેઓના લઘુબંધુ અને પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શહબાઝ શરીફને સિંધુ જળ વિવાદના મુદ્દા સહિત કોઈપણ મુદ્દે ભારત સાથે સંઘર્ષ નિવારવાની ચેતવણીભરી સલાહ આપી છે. સાથે તેમ પણ કહ્યું છે કે, ભારત સાથેના કોઈપણ વિવાદનો રાજદ્વારી રીતે જ ઉકેલ લાવવો હિતાવહ છે.
વિશ્લેષકો માને છે કે નવાઝ શરીફ પાકિસ્તાનમાં વડાપ્રધાનપદે હતા ત્યારે તે સમયના પાકિસ્તાનના લશ્કરી વડા પરવેઝ મુશર્રફે કારગીલ યુદ્ધ છેડયા પછી પાકિસ્તાનની જે બેઆબરૂ થઈ તે નવાઝ શરીફને બરોબર યાદ હશે તેથી જ તેમણે શહબાઝ શરીફને ભારત સાથે યુદ્ધ ન છેડવા કહ્યું હશે.