World

Explainer: ટ્રમ્પની પરમાણુ પરીક્ષણોની શરૂઆતથી દુનિયાભરમાં ખળભળાટ, જાણો કયા દેશ પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે?

By GS TEAM
5 Nov 20254 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવી દલીલ કરી છે કે અન્ય રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ કરી રહ્યા હોવાથી અમેરિકાએ પણ આ દિશામાં પગલું ભરવું જોઈએ. આ બાબતે તેમણે થોડા સમય પહેલા ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ લખીને રશિયા અને ચીન પર આરોપ મૂક્યો કે તેઓ પરમાણુ પરીક્ષણો છુપાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ટ્રમ્પની પરમાણુ પરીક્ષણોની શરૂઆતથી દુનિયાભરમાં ખળભળાટ, જાણો કયા દેશ પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે?
Image Source: Envato (AI Image)

US Nuclear Test: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવી દલીલ કરી છે કે અન્ય રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ કરી રહ્યા હોવાથી અમેરિકાએ પણ આ દિશામાં પગલું ભરવું જોઈએ. આ બાબતે તેમણે થોડા સમય પહેલા ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ લખીને રશિયા અને ચીન પર આરોપ મૂક્યો કે તેઓ પરમાણુ પરીક્ષણો છુપાવી રહ્યા છે. ટ્રમ્પે લખ્યું કે, ‘અમે ઘણાં વર્ષો પહેલાં આ પ્રકારના પરીક્ષણો બંધ કર્યા હતા, પરંતુ હવે અન્ય દેશો આવું કરે છે ત્યારે મને લાગે છે કે અમારા માટે પણ તે યોગ્ય રહેશે.’ તેમણે સીધી રીતે રશિયા અને ચીન પર આરોપ મૂક્યો કે તેઓ પરમાણુ પરીક્ષણો છુપાવી રહ્યા છે. તેમણે લખ્યું હતું કે, 'ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પણ પરમાણુ પરીક્ષણો કરે છે, પણ આ બધું ભૂગર્ભમાં થતું હોવાથી કોઈને એનો અહેસાસ થતો નથી.' ત્યારે હવે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે કે, અમેરિકી વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડે બુધવારે (5 નવેમ્બર) કેલિફોર્નિયાના વાન્ડેનબર્ગ એર ફોર્સ બેઝ પરથી હથિયાર વગરની મિનિટમેન-3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ(ICBM)નું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ રેગ્યુલર ટેસ્ટિંગનો એક ભાગ છે. જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.

પરમાણુ શસ્ત્રોની દોડ ફરી શરૂ થશે? 

ટ્રમ્પની ટિપ્પણીએ એક નવી વૈશ્વિક ચર્ચાને જન્મ આપ્યો છે. લગભગ ત્રણ દાયકાથી અમેરિકાએ પરમાણુ પરીક્ષણો મોકૂફ રાખ્યા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ શકે છે. જો અમેરિકા આવું પગલું ભરશે, તો રશિયા અને ચીન પણ છડેચોક પરમાણુ પરીક્ષણો કરવા લાગે, એવું બની શકે. 

પરમાણુ પરીક્ષણો ખૂબ ખર્ચાળ હોય છે

નિષ્ણાતોના મતે પરમાણુ પરીક્ષણો ફરી શરૂ કરવા એ એક અત્યંત ખર્ચાળ અને સમય માગી લેતી પ્રક્રિયા છે. ‘ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ’ના વિજ્ઞાની હેન્સ ક્રિસ્ટેનસેન જણાવે છે કે, નવા શસ્ત્રો વિકસાવવા અને તેમનું પરીક્ષણ કરવામાં લગભગ પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આ બધું 'કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર-ટેસ્ટ-બેન ટ્રીટી' (CTBT- પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ) ને ધ્યાનમાં રાખ્યા વિના થઈ રહ્યું છે, જે આવા તમામ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે. જો કે આ સંધિ હજુ સુધી સંપૂર્ણ રીતે અમલમાં નથી. 

CTBT કેટલી અસરકારક છે?

CTBT એ 1996 માં અમલમાં મુકાયેલી ‘પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ’ છે, જે તમામ પ્રકારના પરમાણુ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે. વર્ષ 2024 સુધીમાં, 187 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા અને 178 દેશોએ તેને બહાલી (ratification) આપી હતી. જોકે, આ સંધિ હજુ સુધી અમલમાં આવી નથી, કારણ કે અમેરિકા, ચીન, રશિયા, ઈજિપ્ત, ઈરાન અને ઈઝરાયેલ જેવા દેશોએ હસ્તાક્ષર કર્યા છે, પણ એને બહાલી નથી આપી. જ્યારે કે ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાએ તો હસ્તાક્ષર પણ નથી કર્યા. અમેરિકા સહિતના બહાલી ન આપનાર અને ભારત સહિતના હસ્તાક્ષર ન કરનાર દેશો CTBT નું પાલન કરવા માટે બંધાયેલા નથી. રશિયાએ CTBT ને બહાલી આપી હતી, પણ 2023 માં રદ કરી દીધી હતી.

કયા દેશે ક્યારે પરમાણુ પરીક્ષણો કર્યા?

ચીન, ફ્રાન્સ અને બ્રિટને છેલ્લે 1996માં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. સોવિયેત સંઘે 1990માં અને અમેરિકાએ 1992માં તેમનું છેલ્લું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. CTBT પર હસ્તાક્ષર થયા પછી ફક્ત 10 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા છે; બધા ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા દ્વારા કરાયા હતા. ભારતે 1998માં પરીક્ષણ કર્યું એને પગલે પાકિસ્તાને પણ એ જ વર્ષે પરીક્ષણ કરી દેખાડ્યું હતું. ઉત્તર કોરિયાએ 2006, 2009, 2013, 2016માં બે અને 2017માં છ ભૂગર્ભ વિસ્ફોટો કર્યા હતા. 

કયા દેશ પાસે કેટલા પરમાણુ શસ્ત્ર છે?

વર્તમાન સમયમાં વિશ્વમાં લગભગ 9000 કરતાં વધુ પરમાણુ શસ્ત્રોનો જથ્થો છે. આમાંથી મોટાભાગના શસ્ત્રો અમેરિકા અને રશિયા પાસે છે. 

1. રશિયા - 4,309

2. અમેરિકા - 3,700

3. ચીને – 600

4. ફ્રાન્સ – 290

5. બ્રિટન – 225

6. ભારત – 180 

7. પાકિસ્તાન – 170

8. ઈઝરાયેલ – 90

9. ઉત્તર કોરિયા - 50

ભારતે પરમાણુ પરીક્ષણો કરવા જોઈએ?

ભારતે તેની 'ક્રેડિબલ મિનિમમ ડિટરન્સ'ની નીતિ અનુસાર 1974 અને 1998 પછી કોઈ નવું પરમાણુ પરીક્ષણ કર્યું નથી. પરંતુ હવે જ્યારે અમેરિકા, રશિયા અને ચીન આ દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે ભારત માટે પણ તેની વર્તમાન નીતિ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. નિષ્ણાતો માને છે કે ભારતે પોતાની પરમાણુ ક્ષમતાઓને અદ્યતન બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. અમેરિકા પરીક્ષણ શરૂ કરે તો એ તકનો લાભ લઈને ભારતે પણ તેની ન્યુક્લિયર ક્ષમતાઓનું પરીક્ષણ કરવું જોઈએ.