World

ટ્રમ્પ માનસિક રીતે સ્વસ્થ છે ખરા? વારંવાર ખુદને નોબેલ પ્રાઈઝના ગણાવે છે હકદાર, આત્મપ્રશંસાનો પણ અતિરેક

By GS TEAM
27 Sep 20254 mins read
TukuTouch Logo
નીતનવા વિવાદાસ્પદ નિર્ણયો અને બેજવાબદારીપૂર્ણ નિવેદનો આપતાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિકતા લાંબા સમયથી ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પ પોતાની જાતને મહાન અને પ્રતિભાશાળી ગણાવે છે, શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર જેવું સન્માન મોઢે માંગે છે અને લોકો તેમની પ્રશંસા કર્યા કરે એવું ઈચ્છે છે. એમની આવી બધી વર્તણૂકો જોઈને તેમના વ્યક્તિત્વ વિશે એવા પ્રશ્ન ઊભા થાય છે કે, શું ટ્રમ્પ નાર્સિસિસ્ટ છે? તેઓ માનસિક રીતે સ્વસ્થ છે ખરા?

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ માનસિક રીતે સ્વસ્થ છે ખરા? વારંવાર ખુદને નોબેલ પ્રાઈઝના ગણાવે છે હકદાર, આત્મપ્રશંસાનો પણ અતિરેક
AI Image

Donald Trump : નીતનવા વિવાદાસ્પદ નિર્ણયો અને બેજવાબદારીપૂર્ણ નિવેદનો આપતાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિકતા લાંબા સમયથી ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પ પોતાની જાતને મહાન અને પ્રતિભાશાળી ગણાવે છે, શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર જેવું સન્માન મોઢે માંગે છે અને લોકો તેમની પ્રશંસા કર્યા કરે એવું ઈચ્છે છે. એમની આવી બધી વર્તણૂકો જોઈને તેમના વ્યક્તિત્વ વિશે એવા પ્રશ્ન ઊભા થાય છે કે, શું ટ્રમ્પ નાર્સિસિસ્ટ છે? તેઓ માનસિક રીતે સ્વસ્થ છે ખરા? 

સ્વ-પ્રશંસા અને સન્માનો પ્રત્યેનું ટ્રમ્પનું આકર્ષણ 

પ્રશંસા સાંભળવી દરેકને ગમે છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તો તે એક આદત બની ગઈ છે. અમુક નોંધપાત્ર કિસ્સા જોઈએ. 

• તેઓ વારંવાર એવો દાવો કરતા રહે છે કે તેમણે વિશ્વના સાત યુદ્ધો બંધ કરાવ્યા છે તેથી તેઓ નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ બંધ કરાવ્યું હોવાનો દાવો કર્યો હતો, જેને ભારત તરફથી રદિયો આપવામાં આવ્યો હતો. 

• 2018માં તો તેમણે પોતાને ‘પ્રતિભાશાળી’ જાહેર કરતાં કહ્યું હતું કે, તેમના જીવનના બે મહાન ગુણો ‘માનસિક સ્થિરતા’ અને ‘અસાધારણ બુદ્ધિમત્તા’ છે. 

• એકવાર તેમણે કહ્યું હતું, ‘હું એક સફળ બિઝનસમેનમાંથી ટીવી સ્ટાર બન્યો અને પછી પહેલી જ વારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદે પહોંચી ગયો. મને લાગે છે કે માણસમાં ફક્ત બુદ્ધિ નહીં, પણ પ્રતિભા અને એમાં પણ સ્થિર પ્રતિભા હોય તો જ આવું થાય છે!’ 

જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારે આત્મપ્રશંસા કરે અને જાહેરમાં નોબેલ પ્રાઇઝ જેવા સન્માનોની માંગ કરે, ત્યારે તેનો સંબંધ નાર્સિસિઝમ સાથે જોડાયેલો હોય છે.

આ પણ વાંચો: 'ટ્રમ્પની ટેરિફ ધમકી સહન નહીં કરીએ', BRICS દેશોએ અમેરિકન ટેક્સનો કર્યો વિરોધ

નાર્સિસિઝમ શું છે? 

નાર્સિસિઝમ એક એવું લક્ષણ છે જેમાં વ્યક્તિ પોતાને ખૂબ મહત્ત્વની અને પ્રતિભાશાળી માનતી હોય છે, તેને સ્વ-પ્રશંસા સાંભળવાની તીવ્ર ઇચ્છા થતી હોય છે અને તેનામાં બીજા લોકો પ્રત્યે સહાનુભૂતિનો અભાવ હોય છે. જ્યારે આ લક્ષણો એટલાં તીવ્ર બની જાય કે તે વ્યક્તિના પોતાના જ સામાજિક, વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરવા લાગે, ત્યારે તેને ‘નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર’ (NPD) તરીકે ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાનના નિષ્ણાતો માને છે કે આ પ્રકારની વર્તણૂક સમાજ માટે સારી નથી, કારણ કે આવી વ્યક્તિ ઘમંડી બની જાય છે, ટીકા સહન કરી શકતી નથી અને સમૂહ કલ્યાણ કરતાં વ્યક્તિગત મહત્ત્વને વધુ પ્રાધાન્ય આપે છે.

નિષ્ણાતોની નજરમાં ટ્રમ્પનું વર્તન

ટ્રમ્પના વ્યક્તિત્વ અને વર્તનને લઈને અનેક મનોવૈજ્ઞાનિકોએ રસપ્રદ મંતવ્યો આપ્યા છે. એમાંના અમુક જોઈએ. 

• હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હોવર્ડ ગાર્ડનરે તેમને સ્પષ્ટરૂપે 'નાર્સિસિસ્ટિક' ગણાવ્યા છે. 

• મનોવૈજ્ઞાનિક જ્યોર્જ સિમોન તો ટ્રમ્પને NPDનું 'એક ઉત્તમ ઉદાહરણ' કહે છે. 

• ‘ધ ડેન્જરસ કેસ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ’ નામક પુસ્તકમાં 27 મનોચિકિત્સકો અને નિષ્ણાતોએ ટ્રમ્પને 'ખતરારૂપ' ગણાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ટ્રમ્પની માનસિક સ્થિતિ અમેરિકન લોકશાહી માટે જોખમરૂપ છે. આ પુસ્તકમાં ટ્રમ્પને અસામાન્ય રીતે અવ્યવસ્થિત, અહંકારી અને સ્વાર્થી ગણાવવામાં આવ્યા છે, અને કહેવામાં આવ્યું છે કે તેમની નિર્ણય લેવાની ક્ષમતા અણધારી અને ખતરનાક છે. 

ટ્રમ્પના વિવાદાસ્પદ અને ટીકાત્મક વલણો

ટ્રમ્પની વર્તણૂકના અન્ય પાસાઓ પણ તેમની માનસિકતા સમજવામાં મદદ કરે છે. 

• તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નોબેલ પુરસ્કારની ટીકા કરતા રહે છે અને દાવો કરે છે કે ઓબામાને 'કંઈ ન કરવા બદલ' આ પુરસ્કાર મળ્યો છે. આ સરખામણી તેમની અંદરની અસુરક્ષા અને પ્રશંસાની ભૂખ દર્શાવે છે. 

• તેઓ અપેક્ષા રાખે છે કે તેમના મંત્રીમંડળ અને સમર્થકો સતત તેમના વખાણ કરે. 

• ઇમિગ્રન્ટ્સ વિશેની કઠોર ટિપ્પણીઓ અને ગાઝા માટે વાપરેલા અસંવેદનશીલ શબ્દોને લીધે સાબિત થાય છે કે ટ્રમ્પમાં બીજા માટે સહાનુભૂતિનો અભાવ છે. 

• ટીકાઓનો સામનો કરવાને બદલે ટ્રમ્પ ટીકાકારો પર જ વ્યક્તિગત હુમલો કરીને તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવે છે અને ટીકાઓને 'ફેક ન્યૂઝ' અથવા 'છેતરપિંડી' જાહેર કરી દે છે.

નાર્સિસિસ્ટ ખરા, પણ માનસિક બીમાર નહીં? 

એવું નથી કે બધા નિષ્ણાતો ટ્રમ્પને માનસિક રીતે અસ્થિર ગણાવે છે. કેટલાકનો મત છે કે ખરાબ વર્તન હંમેશાં માનસિક બીમારી નથી હોતી. લેખક એલન ફ્રાન્સિસ જેવા નિષ્ણાતો દલીલ કરે છે કે ટ્રમ્પ NPDના સંપૂર્ણ માપદંડો પૂરા નથી કરતા, કારણ કે તેમની વર્તણૂકથી તેમને વ્યક્તિગત રીતે તકલીફ થઈ નથી; બલકે તેમના અહંકાર અને સ્વાર્થે જ તેમને ચૂંટણીમાં અને આર્થિક ક્ષેત્રે અધધ સફળતા અપાવી છે. ફ્રાન્સિસે ટ્રમ્પને 'વિશ્વ-સ્તરીય નાર્સિસિસ્ટ' તો કહ્યા છે, પણ તેઓ તેમને માનસિક બીમાર નથી ગણતા. તેમણે 2017માં સૂચવ્યું હતું કે ટ્રમ્પની વર્તણૂક એક ચાલાકીભરી રાજનીતિક વ્યૂહરચના પણ હોઈ શકે છે. 

આ પણ વાંચો: અમેરિકા ભારતનું ટેન્શન વધારશે! પાકિસ્તાનને 16 નવા ખતરનાક ફાઈટર 'ગિફ્ટ' કરવાની તૈયારી

આમ, એક તરફ જ્યાં ઘણા મનોવૈજ્ઞાનિકો માને છે કે ટ્રમ્પની વર્તણૂક તેમની ઈમેજને ઉભારવાનો પ્રયત્ન લાગે છે અને તે તેમની નેતૃત્વ ક્ષમતા પર પ્રશ્નચિહ્ન લગાવે છે, ત્યારે બીજી તરફ કેટલાક નિષ્ણાતો માને છે કે વ્યક્તિગત તપાસ વિના માનસિક બીમારીનું લેબલ લગાવવું યોગ્ય નથી.