World

નોબેલ પીસ પ્રાઈઝ મેળવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું ગાંડપણ જૂનું

By GS TEAM
15 Feb 20262 mins read
નોબેલ પીસ પ્રાઈઝ મેળવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું ગાંડપણ જૂનું

એપસ્ટિન ફાઈલ્સમાં નવો ઘટસ્ફોટ

એપસ્ટીને યાગલેન્ડ મારફત બિલ ગેટ્સ અને સ્ટીવ બેનન જેવા પ્રભાવશાળી લોકો સાથે મિત્રતા કરી હતી

ન્યૂયોર્ક: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે દુનિયામાં ભારત-પાકિસ્તાન સહિત આઠ યુદ્ધો અટકાવી નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે દાવો કર્યો હતો. પરંતુ નોર્વેની નોબેલ શાંતિ સમિતિએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો. જોકે, અમેરિકાના કુખ્યાત સેક્સ ટ્રાફિકર જેફરી એપસ્ટીનની ફાઈલ્સમાં એક નવો ઘટસ્ફોટ થયો છે કે નોબેલ પીસ પ્રાઈસ મેળવવા માટેનું ટ્રમ્પનું ગાંડપણ જૂનું છે.

અમેરિકાના અબજોપતિ ફાઈનાન્સર અને સગીરાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના આરોપો બદલ સજા પામેલા અને ૨૦૧૯માં કથિત રીતે આત્મહત્યા કરનારા જેફરી એપસ્ટીનને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગાઢ સંબંધ હતો. અમેરિકાના ન્યાય વિભાગે જાહેર કરેલી એપસ્ટીનની ફાઈલ્સમાં નીત નવી વિગતો સામે આવી રહી છે ત્યારે હવે જેફરી એપસ્ટીનનો એક ઈમેલ સામે આવ્યો છે, જેમાં ટ્રમ્પનો નોબેલ પીસ પ્રાઈઝ માટેનો લગાવ જાહેર થાય છે.

જેફરી એપસ્ટીને ટ્રમ્પના નજીકના સાથી સ્ટીવ બેનનને એક ઈમેલમાં લખ્યું હતું કે, ટ્રમ્પને ખબર પડે કે હવે તું એવી વ્યક્તિનો મિત્ર છે, જે નોબેલનો નિર્ણય કરવાનો છે તો તેનું માથું ફાટી જશે. ટ્રમ્પને જાણવા મળશે કે નોબેલ સમિતિનો ચેરમેન અહીં રોકાયેલો છે તો તેનું માથું ફાટી જશે. એપસ્ટીનની ફાઈલોમાં સામે આવ્યું છે કે તેણે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિના ચેરમેન રહેલા થોરબોર્ન યાગલેન્ડ સાથે પોતાના સંબંધો મારફત બિલ ગેટ્સ અને સ્ટીવ બેનન જેવા અનેક પ્રભાવશાળી લોકો સાથે મિત્રતા કરી હતી. એપસ્ટીન ફાઈલોમાં યાગલેન્ડનું નામ અનેક હજાર વખત સામે આવે છે. જોકે, હજુ સુધી જે પણ ફાઈલો સામે આવી છે તેમાં પુરસ્કાર માટે કોઈના નામ પર લોબિંગની વાત સામે આવી નથી, પરંતુ એટલું સ્પષ્ટ છે કે એપસ્ટીને યાગલેંડ સાથે મિત્રતાના પગલે અને હાઈ-પ્રોફાઈલ લોકો સાથે પોતાની મિત્રતા મજબૂત કરી હતી. 

એપસ્ટીને ૨૦૧૦માં ન્યૂયોર્ક અને પેરિસ સ્થિત મિલકતોમાં ગાયલેન્ડના રોકાણની વ્યવસ્થામાં મદદ કરી હતી.