ઈલોન મસ્કે માફી માંગી બાદ પણ હજુ શાંત નથી થયો ટ્રમ્પનો ગુસ્સો! અબજોની ડીલ ખતરામાં
Donald Trump and Elon Musk News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે ચાલી રહેલી તકરાર હવે એક નવો વળાંક લઈ રહી છે. મસ્કે માફી માંગ્યા બાદ 'વૉર ઑફ વર્ડ્સ' શાંત થઈ ગયું છે, પરંતુ ટ્રમ્પ જૂની મિત્રતાને બાજુમાં મુકીને સ્પેસએક્સ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે, ત્યારે અમેરિકાએ અબજો રૂપિયાની ડીલને લઈને તપાસ શરૂ કરી દીધી છે.
રૉયટર્સના સોર્સ પ્રમાણે, ટ્રમ્પ વહીવટીતંત્રે નાસા અને સંરક્ષણ વિભાગને સ્પેસએક્સના 22 બિલિયન ડોલરના સરકારી કરારોની વિગતવાર સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું મસ્ક અને ટ્રમ્પ વચ્ચેની વ્યક્તિગત દુશ્મનાવટનું પરિણામ હોવાનું માનવામાં આવે છે, જે હવે નીતિ નિર્માણ અને સંરક્ષણ ક્ષેત્રને અસર કરી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની સમીક્ષા
સ્પેસએક્સ અમેરિકાના અંતરિક્ષ પ્રોજેક્ટમાં અને ડિફેન્સ ક્ષેત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કંપની સેટેલાઈટ લોન્ચ, સ્પેસકાર્ગો ડિલિવરી અને ડ્રેગન સ્પેસક્રાફ્ટના માધ્યમથી ઈન્ટરનેશનલ સ્પેસ સુધી એસ્ટ્રોનોટ્સને પહોંચાડવા માટે કામ કરે છે. આ સાથે સ્પેસએક્સ નેશનલ રિકોનિસેન્સ ઓફિસ માટે સીક્રેટ સર્વિલાન્સ સેટેલાઈટ્સના નેટવર્ક પણ ડેવલોપ કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રની સમીક્ષામાં ડ્રેગન સ્પેસક્રાફ્ટ સંબંધિત 5 બિલિયન ડોલરના કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે. આ સ્પેસક્રાફ્ટ અમેરિકાનું એકમાત્ર વાહન છે જે અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર લઈ જઈ શકે છે.
મળતી માહિતી મુજબ, રિવ્યૂ જ્યુડિશિયલ તપાસ એ રાજકીય બદલાનો ભાગ વધુ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ પ્રક્રિયા દ્વારા મસ્ક પર દબાણ લાવવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. 6 જૂને ટ્રમ્પે એરફોર્સ વનમાં કહ્યું હતું કે, અમે દરેક વસ્તુની સમીક્ષા કરીશું. આ નિવેદનને હવે સ્પેસએક્સના કરારોની ચકાસણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સંરક્ષણ વિભાગ અમેરિકાના પ્રસ્તાવિત મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટ ગોલ્ડન ડોમમાં સ્પેસએક્સની ભૂમિકાને મર્યાદિત કરવાનું પણ વિચારી રહ્યું છે.
અત્યાર સુધીમાં કોઈપણ કોન્ટ્રાક્ટને રદ કરવાની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ સમીક્ષાથી સ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં હલચલ વધી ગઈ છે. નાસાએ કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિના સ્પેસ ગોલ્સને મેળવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ સ્પેસએક્સ અને સંરક્ષણ વિભાગે કોઈ ટિપ્પણી કરી નથી, ત્યારે મસ્ક માટે આ પડકારજનક હોઈ શકે છે. કારણ કે સ્પેસએક્સ અમેરિકન અવકાશ મિશનનો આધાર છે.