World

ઈરાન સાથે સંઘર્ષ વચ્ચે હવે અમેરિકા અને ચીન વચ્ચે ટકરાવના એંધાણ! ટ્રમ્પે જિનપિંગને આપી ધમકી

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના નાજુક યુદ્ધવિરામ વચ્ચે હવે ચીનની એન્ટ્રી થતા મામલો ગરમાયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો તે ઈરાનને સૈન્ય મદદ કરશે તો તેણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે સંઘર્ષ વચ્ચે હવે અમેરિકા અને ચીન વચ્ચે ટકરાવના એંધાણ! ટ્રમ્પે જિનપિંગને આપી ધમકી

Donald Trump warns China: અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના નાજુક યુદ્ધવિરામ વચ્ચે હવે ચીનની એન્ટ્રી થતા મામલો ગરમાયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો તે ઈરાનને સૈન્ય મદદ કરશે તો તેણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

શું છે સમગ્ર વિવાદ?

અમેરિકન ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ, ચીન છૂપી રીતે ત્રીજા દેશો દ્વારા ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. આગામી અઠવાડિયામાં ઈરાનને ચીન પાસેથી નવી એર ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે તેવો એક અહેવાલ સામે આવ્યો હતો. ત્યાર બાદ મિયામી રવાના થતા પહેલા ટ્રમ્પે કહ્યું, જો ચીન આવું કરશે, તો તેને મોટી સમસ્યાઓનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. જો કે ટ્રમ્પે કેવા પગલાં લેવાશે તેની સ્પષ્ટતા કરી નહોતી.

ચીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા

વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. ચીને દાવો કર્યો કે, તેમણે ક્યારેય કોઈ પક્ષને હથિયાર પૂરા પાડ્યા નથી. અમેરિકાએ પાયાવિહોણા આરોપો અને સનસનાટી ફેલાવવાનું બંધ કરવું જોઈએ.

આ પણ વાંચો: ચીન છાનામાના ઈરાનને હથિયારોનો ભંડાર મોકલી રહ્યું છે, અમેરિકન એજન્સીના રિપોર્ટમાં ધડાકો

ઈરાનને કેમ ઉતાવળ?

હાલમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનની સંરક્ષણ પ્રણાલીને મોટું નુકસાન થયું છે. તેહરાન હવે તેને ઝડપથી બેઠું કરવા માંગે છે. રિપોર્ટ મુજબ, ચીન મેનપેડ્સ (ખભા પર રાખીને ફોડી શકાય તેવી મિસાઈલ) મોકલી શકે છે, જેનો ઉપયોગ અમેરિકી હેલિકોપ્ટર અને વિમાન સામે થઈ શકે છે.

ટ્રમ્પની ડીલ પર ટિપ્પણી

ઈરાન સાથેની મંત્રણા પર ટ્રમ્પે ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યું કે, અમે ઈરાન સાથે ગહન વાતચીત કરી રહ્યા છીએ. કદાચ ડીલ થાય, કદાચ ન પણ થાય - જે પણ થાય, જીત તો અમારી જ થશે. ડીલ થાય કે ન થાય, મને કોઈ ફરક પડતો નથી.

આગામી ચીન પ્રવાસ પર જોખમ?

આવતા મહિને ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા ચીન જવાના છે. જો ચીન ઈરાનને સૈન્ય મદદ કરવાની ભૂલ કરશે, તો આ મુલાકાત પર કાળા વાદળો છવાઈ શકે છે અને બંને મહાસત્તા વચ્ચે ટ્રેડ વોર કે નવો રાજદ્વારી સંઘર્ષ શરૂ થઈ શકે છે. અથવા તો અમેરિકા ચીની વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ કે આકરા ટેરિફ જેવા પગલા પણ ઉઠાવી શકે છે.