Get The App

'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા 1 - image


America Birth Right Citizenship: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે 80થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી વ્હાઈટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામ શરૂ કરી દેતાં અમેરિકાની સાથે સમગ્ર વિશ્વ પર અસર કરતા આદેશો આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે હવે ટ્રમ્પના આદેશ હેઠળ અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકત્વનો બંધારણીય કાયદો રદ કરી દેવામાં આવ્યો છે, જેનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ હવે આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા 

ડેમોક્રેટિક પાર્ટીના પ્રભુત્વ વાળા 22 રાજ્યો અને અનેક સિવિલ રાઈટ ગ્રૂપે ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો છે. આ મામલે હવે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન બંધારણનું ઉલ્લંઘન

ડેમોક્રેટિક પ્રભુત્વ ધરાવતા રાજ્યોની સાથે-સાથે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અને સાન ફ્રાન્સિસ્કોએ મંગળવારે બોસ્ટનની સંઘીય કોર્ટમાં પ્રથમ કેસ નોંધાવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન છે. આ કેસ બાદ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન અને ઈમિગ્રન્ટ્સ ઓર્ગેનાઇઝેશને પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 

આ પણ વાંચો: અમેરિકામાં પ્રમુખપદે તાજપોશી થતાં જ ટ્રમ્પનો તરખાટ

ટ્રમ્પ પ્રમુખ છે કોઈ રાજા નથી

ન્યુ જર્સીના ડેમોક્રેટિક એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિને કહ્યું કે, અમે ટ્રમ્પના આદેશ પર રોક લગાવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પ્રમુખ પાસે વ્યાપક સત્તાઓ છે, પરંતુ તેઓ કોઈ રાજા નથી. ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જવાથી ટ્રમ્પ વહીવટીતંત્રને સ્પષ્ટ સંદેશ મળી ગયો છે કે, અમે અમારા લોકો અને તેમના મૂળભૂત બંધારણીય અધિકારો માટે તેમની પડખે ઉભા રહીશું.

અમેરિકાનો કાયદો શું કહે છે?

અમેરિકાના બંધારણમાં થયેલા 14મા સુધારા હેઠળ જન્મના આધાર પર નાગરિકતા આપવાની જોગવાઈ છે. આનો અર્થ એ થયો કે, અમેરિકામાં જન્મેલું દરેક બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય છે, પછી ભલે તેના માતા-પિતાની નાગરિકતા ગમે તે હોય.

તમને જણાવી દઈએ કે, આ બંધારણીય સુધારો 1868માં અમેરિકામાં દરેકને સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અને ઘૂસણખોરીનો મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ટ્રમ્પ તેની વિરુદ્ધ હતા અને શપથ લેતાની સાથે જ તેમણે કાયદામાં ફેરફાર સામે ઠરાવ પસાર કરી દીધો છે.

ટ્રમ્પનો આ આદેશ અમેરિકાના કાયદાની વિરુદ્ધ

ટ્રમ્પનો આ આદેશ અમેરિકાના કાયદાની વિરુદ્ધ છે જે ત્યાં જન્મેલા દરેક બાળકને નાગરિકતા આપે છે. પરંતુ નવા આદેશ પ્રમાણે જન્મ સાથે જ કોઈ બાળકને અમેરિકાની નાગરિકતા જોઈએ તો તેમના માતા અથવા પિતામાંથી કોઈ એકનું અમેરિકન નાગરિક હોવું ફરજિયાત રહેશે. આ સાથે જ તેમાંથી એક પાસે ગ્રીન કાર્ડ હોવું આવશ્યક છે અથવા તેમાંથી કોઈ એક યુએસ આર્મીમાં હોવું જરૂરી છે.

Tags :