ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Canada Trade Talk: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયું છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગૂગલ જેવી ટૅક્નોલૉજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરુ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે.
કેનેડિયન નાણા મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન કર્યું છે. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 21 જુલાઈ સુધીમાં નવા વેપાર કરાર પર સંમતિ માટે વાટાઘાટો ફરી શરુુ કરવા જઈ રહ્યા છે.
ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરાશે
કેનેડિયન નાણા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, સોમવારથી ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરવામાં આવશે. જેના માટે ફાયનાન્સ મિનિસ્ટર ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન સોમવારે ડિજિટલ સર્વિસ ટેક્સ ઍક્ટને રદ કરતું એક બિલ રજૂ કરશે. DSTની શરુઆત 2020માં કરવામાં આવી હતી. કેનેડામાં કાર્યરત ઘણી મોટી ટેક કંપનીઓ કેનેડિયન નાગરિકો પાસેથી થતી આવક પર ટેક્સ ચૂકવતી ન હતી. જેથી કેનેડાએ ડિજિટલ સર્વિસ ટેક્સ શરુ કર્યો હતો.
આ પણ વાંચોઃ BIG NEWS: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત
ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂકવા તૈયાર
ટ્રમ્પે અચાનક કેનેડા દ્વારા વસૂલવામાં આવતો ડિજિટલ સર્વિસ ટેક્સને અમેરિકા પર સીધો અને સ્પષ્ટ હુમલો ગણાવતાં વેપાર મંત્રણા બંધ કરવાની જાહેરાત કરી હતી. રવિવારે ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર કરાર મુદ્દે ચર્ચાઓ આગળ વધશે નહીં.
વધુમાં ટ્રમ્પે આગામી સપ્તાહથી કેનેડાની પ્રોડક્ટ્સ પર નવા ટેક્સ લાદવાની ચીમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે, માર્ક કાર્નીએ G-7 સમિટ બાદ નિવેદન આપ્યું હતું કે, બંને દેશો 30 દિવસની અંદર એક નવા આર્થિક કરારને અંતિમ સ્વરૂપ આપશે.
અમેરિકન કંપનીઓને થઈ રહ્યું હતું નુકસાન
કેનેડાના પ્રસ્તાવિત ડિજિટલ સર્વિસ ટેક્સ ઍક્ટ હેઠળ કેનેડિયન યુઝર્સ પાસેથી દરવર્ષે 2 કરોડ કેનેડિયન ડૉલરથી વધુ કમાણી કરતા ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સ પર 3% ટેક્સ વસૂલાય છે. આ ટેક્સ 2022થી પૂર્વવર્તી રીતે લાગુ થયો હતો અને તેની સીધી અસર અમેરિકન ટૅક્નોલૉજી કંપનીઓ જેમ કે એમેઝોન, મેટા, આલ્ફાબેટ (ગૂગલ) અને એપલ પર થઈ રહી હતી. આ આવક ઓનલાઇન માર્કેટ પ્લેસ સેવાઓ, ઓનલાઇન જાહેરાત સેવાઓ, સોશિયલ મીડિયા સેવાઓ અને યુઝર્સના ડેટાના વેચાણથી થાય છે.








