હું અમેરિકા અને દુનિયા ચલાવી રહ્યો છું, મજા આવે છે: ડોનાલ્ડ ટ્રમ્પના અજીબોગરીબ દાવા
USA President Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભાંગરો વાટવામાં માહેર છે. હાલમાં જ તેમણે પોતાને આખી દુનિયાના શાસક ગણાવ્યા છે. તેઓએ પોતાના બીજા કાર્યકાળમાં અત્યંત આક્રમક અને શક્તિશાળી વલણ અપનાવતાં અત્યારસુધીમાં 140થી વધુ કાર્યકારી આદેશ આપી ચૂક્યા છે.
એક મીડિયા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે, સ્થાનિકથી માંડી વૈશ્વિક નીતિઓ પર મારી મજબૂત પકડ છે. આ બીજો કાર્યકાળ પહેલાં કરતાં તદ્દન અલગ છે. પહેલાં કાર્યકાળમાં મારે બે કામ કરવાના હતા, એક દેશને ચલાવવો અને પોતાને બચાવવો, કારણકે, મારી ચારેબાજુ અપ્રમાણિક લોકો હતા. પરંતુ આ બીજા કાર્યકાળમાં દેશ અને દુનિયા બંને ચલાવી રહ્યો છું.
આ વખતે મજા આવી રહી છે
ટ્રમ્પે કહ્યું કે, આ વખતે હું જે કરી રહ્યો છું, તે અત્યંત ગંભીર છે. તેમ છતાં મને મજા આવી રહી છે. આ વખતે વ્હાઇટ હાઉસમાં મારો પ્રભાવ પણ વધ્યો છે. મારી સરકારમાં વફાદાર-પ્રમાણિક લોકો છે. હું અમેરિકા અને વિશ્વને ચલાવી રહ્યો છું એવું મને લાગે છે.
આ પણ વાંચોઃ BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ
100 દિવસમાં 140થી વધુ કાર્યકારી આદેશ
ટ્રમ્પે પોતાનો બીજો કાર્યકાળ સંભાળ્યાના 100 દિવસમાં જ 140થી વધુ કાર્યકારી આદેશ આપી દીધા છે. જેમાં નીતિગત પહેલોની સાથે સાથે રાજકીય વિરોધીઓને પણ નિશાન બનાવ્યા છે. જો કે, ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ બોલ્ડ નિર્ણયોની અમેરિકામાં જ ટીકા થઈ રહી છે. ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી છે. દેશની આર્થિક ચિંતામાં વધારો થયો છે. ટ્રમ્પનો ટેરિફવૉર, ચીન સાથે ટ્રેડવૉર, ઇમિગ્રેશન મુદ્દે આકરા પગલાં, વીઝા નિયમોમાં ફેરફાર સહિતના નિર્ણયોના લીધે ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી છે.
શું ત્રીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનશે ટ્રમ્પ?
ટ્રમ્પને આ ઇન્ટરવ્યુમાં ત્રીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવા મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ આપ્યો કે, એવું કંઈ નથી, એના પર હું વિચારી રહ્યો છું. મને લાગે છે કે, આમ કરવું અત્યંત કઠિન થશે. રિપબ્લિકન પાર્ટીના ઘણા સાંસદોએ આ સંભાવનાને મજાકમાં લીધી છે. તેના માટે કોઈ ગંભીર નથી.