Get The App

ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં, નેતન્યાહૂને ઝટકો, ઇઝરાયલ વેસ્ટ બેન્ક પર કબજો નહીં કરી શકે

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
Annex West Bank


Annex West Bank: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કોઈ પણ ભોગે વેસ્ટ બેન્ક પર કબજો કરવા કે તેને પોતાનામાં ભેળવી દેવાની મંજૂરી નહીં આપે. હાલમાં વેસ્ટ બેન્ક પર ઇઝરાયલનો કબજો છે.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરવાના છે, પરંતુ તે પહેલા જ ટ્રમ્પે તેમને કડક સંદેશ આપી દીધો છે.

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના સહયોગી દેશો જેવા કે બ્રિટન અને કેનેડા સહિત અન્ય દેશો પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા સહમત થયા છે. આ ઉપરાંત, ઘણા મુસ્લિમ દેશો ટ્રમ્પ પર એવું દબાણ કરી રહ્યા છે કે તેઓ ઇઝરાયલને ગાઝા પર હુમલો કરવાથી રોકે અને વેસ્ટ બેન્કને હડપ કરવાની તેની મહત્વાકાંક્ષાઓ પર નિયંત્રણ મૂકે.

વેસ્ટ બેન્ક પર કબજાનો ટ્રમ્પનો સ્પષ્ટ વિરોધ

ગુરુવારે વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી, ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'હું ઇઝરાયલને વેસ્ટ બેન્ક પર કબજો કરવા દઈશ નહીં. આવું બિલકુલ નહીં થાય.' વાસ્તવમાં, ઇઝરાયલના અધિકારીઓ થોડા સમયથી વેસ્ટ બેન્કના અમુક ભાગો પર કબજો કરવાના સંભવિત પગલાંની વાત કરી રહ્યા હતા, જેના સંદર્ભમાં પૂછવામાં આવતાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું.

ટ્રમ્પ અને નેતન્યાહૂની મુલાકાત સોમવારે થશે

બંને નેતાઓની મુલાકાત પહેલા ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે, ટ્રમ્પ અને નેતન્યાહૂ સોમવારે મળવાના છે તેવું કહેવાય છે. ગાઝા પર ઇઝરાયલના હુમલાને કારણે નેતન્યાહૂ પરનું વૈશ્વિક દબાણ વધ્યું છે અને વિશ્વભરના ઘણા દેશો પેલેસ્ટાઈનને રાષ્ટ્રનો દરજ્જો આપવા તૈયાર થયા છે. તાજેતરમાં, અમેરિકાના મુખ્ય સહયોગી દેશો જેમ કે બ્રિટન અને કેનેડાએ પણ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. આ જ સંજોગો વચ્ચે ઇઝરાયલ દ્વારા વેસ્ટ બેન્ક પર કબજો કરવાની સંભાવનાની ચર્ચા સામે આવી છે.

બસ હવે બહુ થયું.. હવે તેને રોકવાનો સમય આવી ગયો: ટ્રમ્પ

ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી છે અને તેઓ કોઈ પણ સંજોગોમાં વેસ્ટ બેન્ક પર કબજો કરવાની મંજૂરી આપશે નહીં. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું, 'બસ હવે બહુ થયું. હવે તેને રોકવાનો સમય આવી ગયો છે.'

નોંધનીય છે કે, ગાઝાની જેમ જ વેસ્ટ બેન્ક પર પણ પેલેસ્ટાઈની સત્તાધિકારીઓનું શાસન છે. જોકે ટ્રમ્પ લાંબા સમયથી નેતન્યાહૂ સાથેના પોતાના ગાઢ સંબંધોને જાહેરમાં સ્વીકારે છે, તેમ છતાં હવે તેમને લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે અરબ દેશોના નેતાઓના દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. અરબ દેશોના નેતાઓએ ઇઝરાયલના કબજાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને, સંયુક્ત આરબ એમિરેટ્સએ ચેતવણી આપી છે કે ઇઝરાયલ દ્વારા કબજા સંબંધિત કોઈ પણ પગલું 'લક્ષ્મણ રેખા'નું ઉલ્લંઘન ગણાશે.

1967થી વેસ્ટ બેન્ક પર ઇઝરાયલનો દખલ

વર્ષ 1967થી ઇઝરાયલનો વેસ્ટ બેન્ક, પૂર્વી જેરૂસલેમ અને ગાઝા પટ્ટી પર દખલ રહ્યો છે. પેલેસ્ટાઈનીઓ આ તમામ વિસ્તારોને ભેગા કરીને પોતાના દેશની રચના કરવા માંગે છે.

આ પણ વાંચો: ટ્રમ્પના 100% ટેરિફની ભારત પર શું થશે અસર? દેશની કુલ ફાર્મા નિકાસમાં 31 ટકા હિસ્સો અમેરિકાનો

જોકે, ઇઝરાયલની વર્તમાન સરકાર પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપવાનો સખત વિરોધ કરે છે અને તે વેસ્ટ બેન્કના મોટા ભાગ પર આખરે કબજો કરવાના પક્ષમાં રહી છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂના સત્તાધારી ગઠબંધનના અતિ-રાષ્ટ્રવાદી સહયોગીઓ દ્વારા પણ ઇઝરાયલને વારંવાર વેસ્ટ બેન્ક પર કબજો કરીને પોતાના ભૂ-ભાગમાં ભેળવી દેવાની માગ કરવામાં આવી છે.

આ દરમિયાન, બ્રિટન અને જર્મની જેવા દેશોએ પણ ઇઝરાયલને વેસ્ટ બેન્કના વિલીનીકરણ સાથે સંબંધિત ઇઝરાયલી પ્રસ્તાવો પર કડક ચેતવણી આપી છે.

ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં, નેતન્યાહૂને ઝટકો, ઇઝરાયલ વેસ્ટ બેન્ક પર કબજો નહીં કરી શકે 2 - image

Tags :