Elon Musk vs Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કની મિત્રતામાં હવે તણાવ આવી ગયો છે. આ દરમિયાન એક મીડિયા ઈન્ટરવ્યુમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'મને લાગે છે કે હવે અમારા સંબંધો ખતમ થઈ ગયા છે. જો ઈલોન મસ્ક ડેમોક્રેટિક ઉમેદવારોને, ખાસ કરીને રિપબ્લિકન પાર્ટીના ટેક્સ બિલનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને ભંડોળ પૂરું પાડશે, તો તેના ગંભીર પરિણામો આવશે.' જો કે, તેમણે સ્પષ્ટતા કરી નથી કે તે પરિણામો શું હશે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
ઈલોન મસ્ક અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો તણાવ ત્યારે શરૂ થયો, જ્યારે મસ્કે ટ્રમ્પના 'વન બિગ બ્યુટીફુલ બિલ'ને 'X' પર ઘૃણાસ્પદ બિલ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે ટ્રમ્પની ટેરિફ નીતિ અમેરિકાને મંદીમાં ધકેલી શકે છે. મસ્કે ટ્રમ્પના મહાભિયોગ (Impeachment)ને સમર્થન કરતા 'X' પર પોસ્ટ કરી હતી. જોકે, તેમણે પાછળથી ડિલીટ કરી દીધી હતી. તેમણે જેફરી એપસ્ટેઇન સાથે ટ્રમ્પના કથિત જૂના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને ટ્રમ્પે જૂનો અને ખોટો મુદ્દો ગણાવ્યો હતો.
ઈલોન મસ્ક અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને પ્રમુખ પદનો અનાદર ગણાવતા કહ્યું કે, 'હું મસ્કથી નિરાશ છું, જેમણે બિલની ખુલ્લેઆમ ટીકા કરી છે અને તેને ક્લીન એનર્જી ઈન્ડસ્ટ્રીઝ માટે અયોગ્ય ગણાવ્યું છે.' નોંધનીય છે કે, ઈલોન મસ્કે ટ્રમ્પના ચૂંટણી પ્રચારને ઘણો આર્થિક ટેકો આપ્યો હતો. બદલામાં ટ્રમ્પે તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા પણ બનાવ્યા, પરંતુ મસ્કે આ પદ પરથી રાજીનામું આપી દીધું.
ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે તે મસ્કની કંપની ખાસ કરીને સ્પેસએક્સ (SpaceX) સાથે સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાનું વિચારી શકે છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.


