Trump Tariff: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટ્રેડને લઈ મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે અમેરિકા તાત્કાલિક પ્રભાવથી દુનિયાભરના દેશો પર લાગુ થયેલા 10 ટકા ટેરિફને વધારીને 15 ટકા કરવા જઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ઘણા દેશો દશકોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા ટ્રમ્પે શુક્રવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ દેશો પર 10% ટેરિફ લગાવવાની વાત કહી હતી. જેના 24 કલાકમાં તેમાં 5 ટકાનો વધારો કરી 15 ટકા ટેરિફ ઝીંકવાનું એલાન કર્યું છે.
ગઈકાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યો હતો
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભડકી ઉઠેલા ટ્રમ્પે તઘલખી નિર્ણય લેતા કહ્યું કે, 'આ પગલું સંપૂર્ણ રીતે કાયદાના દાયરામાં લેવામાં આવ્યું છે જેનું પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે. આ સાથે આવનાર સમયમાં ટ્રમ્પ પ્રશાસન નવા અને કાયદાની રૂએ ઘડાયેલા લીગલ ટેરિફની ઘોષણા કરશે તેવો પણ નિર્ણય લીધો છે.
'ઝીણવટપૂર્વક અધ્યયન કરી રહ્યા છીએ'
આ સમગ્ર મામલે ભારત સરકાર તરફથી વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ટેરિફ અંગે અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમારા ધ્યાને છે. જે બાદ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ પત્રકાર પરિષદ સંબોધી કેટલીક જાહેરાત કરી છે. અમે સમગ્ર ઘટનાક્રમ અને તેની અસર અંગે ઝીણવટપૂર્વક અધ્યયન કરી રહ્યા છીએ.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે (20 ફેબ્રુઆરી) વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ગણાવતો પ્રમુખ ટ્રમ્પ ખુબ નારાજ થયા હતા. તેમણે ચુકાદાનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટ અને જજોની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને આવા ચુકાદની આશા ન હતી, તેમની પાસે હજુ અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગયું છે, તેથી અમે વધુ ટેરિફ ઝિંકીશું. સુપ્રીમ કોર્ટે અમારી વાત સાંભળી નથી. કોર્ટે જે ચુકાદો આપ્યો છે, તે અમેરિકાના હિતમાં નથી. મને કોર્ટના કેટલાક ન્યાયાધીશો પર શરમ આવી રહી છે. દેશ માટે યોગ્ય કામ કવાની જજોમાં હિમ્મત નથી. જે દેશો આપણને વર્ષોથી લૂંટી રહ્યા છે, તેઓ આ નિર્ણયથી ખુશ થશે. જોકે તેઓ વધુ સમય સુધી ખુશ નહીં રહી શકે. અમે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીશું. એવું થઈ શકે છે કે, અમે વધુ પૈસા લઈએ. અમારી પાસે હજુ પણ મજબૂત વિકલ્પો ઉપલ્બધ છે. તેમણે રાષ્ટ્ર હિતમાં સેક્શન-301 હેઠળ ટેરિફ લાગુ કર્યો છે અને તે હજુ પણ સંપૂર્ણ પ્રભાવી છે. હું અમેરિકાની સુરક્ષા અને આર્થિક હિતોની રક્ષા કરવા માટે કોઈપણ પગલા ભરવા માટે સક્ષમ છું. વિદેશી દેશો વિચારતા હશે કે, તેમણે અમને અટકાવી દીધા, જોકે વાસ્તવમાં અમેરિકા વધુ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.’


