'હું ગમે તેટલી શાંતિ કરાવી લઉં...' વધુ બે દેશ વચ્ચે શાંતિ કરાર કરાવ્યા બાદ ટ્રમ્પનું દર્દ છલકાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Images Source: FB |
US President Donald Trump: ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો અને રવાન્ડા વચ્ચે પૂર્વી કોંગોમાં ચાલી રહેલી હિંસાનો અંત લાવવા માટે કરાર થયો છે. આ બંને દેશોએ મોડી રાત્રે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આ અંગે કરાર કર્યો છે. આ કરારમાં અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંને દેશો વચ્ચેના આ કરાર વિશે પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે.
મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મને આ (ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો અને રિપબ્લિક ઑફ રવાન્ડા વચ્ચેની સંધિ) માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધને અટકાવવાના પ્રયાસ કરવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, મને સર્બિયા અને કોસોવો વચ્ચે યુદ્ધ અટકાવવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, મને ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ જાળવવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મને મિડલ ઈસ્ટમાં અબ્રાહમ એકોર્ડ કરવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, હું ગમે તેટલી શાંતિ કરાવી લઉં, રશિયા/યુક્રેન અને ઇઝરાયલ/ઈરાન સાથે, પરિણામો ગમે તે હોય, મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, પરંતુ લોકો જાણે છે, અને તે જ મારા માટે મહત્ત્વનું છે.'
શાંતિ માટે રવાન્ડા-કોંગોએ કરાર પર હસ્તાક્ષર કર્યા
અમેરિકામાં રવાન્ડા અને કોંગો વચ્ચે રાજકીય, સુરક્ષા અને આર્થિક બાબતો પર ત્રણ દિવસની વાટાઘાટો પછી, બંને દેશોએ એક ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને આગામી દિવસોમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ડ્રાફ્ટ કરારમાં ઘણાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ શામેલ છે.
પાકિસ્તાને શાંતિ નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે વર્ષ 2026ના શાંતિ નોબેલ પુરસ્કાર માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ એક મોટું યુદ્ધ ટાળવામાં મદદ કરી હતી.









