Get The App

ટ્રેડવૉર વચ્ચે 'લવ લેટર', ટ્રમ્પે શી જિનપિંગને ગણાવ્યા 'દુનિયાના સૌથી સ્માર્ટ'

Updated: Apr 10th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રેડવૉર વચ્ચે 'લવ લેટર', ટ્રમ્પે શી જિનપિંગને ગણાવ્યા 'દુનિયાના સૌથી સ્માર્ટ' 1 - image

Donald Trump: અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધે એક નવો વળાંક લીધો છે. અમેરિકાએ ચીનની આયાત પર 125% ટેક્સ લાદ્યો છે. વળી, ચીને અમેરિકન ઉત્પાદનો પર જવાબી કાર્યવાહી કરતાં 84% ટેરિફ લગાવ્યો છે. આ વધતા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગના વખાણ કરી લોકોને ચોંકાવી દીધા છે. ત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું ચીનની જવાબી કાર્યવાહીથી ટ્રમ્પ બેકફૂટ પર આવી ગયા છે?

ટ્રમ્પે જિનપિંગના કર્યા વખાણ

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને દુનિયાના સૌથી સમજદાર લોકોમાંથી એક જણાવ્યા. તેમણે કહ્યું કે, 'શી જિનપિંગ એક સ્માર્ટ વ્યક્તિ છે અને અમે એક ખૂબ જ સારો કરાર કરીશું. તે જાણે છે કે શું કરવાનું છે અને તે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે.'

આ પણ વાંચોઃ બે મોટા નિર્ણય: ટ્રમ્પે ચીન પર ઝીંક્યો 125 ટકા ટેરિફ, 75થી વધુ દેશોને આપી 90 દિવસની ટેરિફમાં છૂટ

ચીન સાથે વાટાઘાટો માટે તૈયાર અમેરિકા? 

આ સાથે ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો કે, તે શી જિનપિંગ સાથે વાટાઘાટો માટે તૈયાર છે અને ચીન દ્વારા અમેરિકાનો ફાયદો નથી ઉઠાવવામાં આવતો. તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે, અમેરિકામાં રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ રોકાણ હશે. કોઈપણ સમયે આપણને ચીનથી કૉલ આવી શકે છે અને વાટાઘાટો શરૂ થશે.'

અમેરિકા બ્લેકમેઇલ કરે છેઃ ચીન

જોકે, ટ્રમ્પ પ્રશાસને 90 દિવસ માટે તમામ દેશો પર લાગેલા જવાબી ટેરિફને સ્થગિત કરી દીધો છે પરંતુ, ચીનને તેનાથી બહાર રાખવામાં આવ્યું છે. ટ્રમ્પે ચીન પર વૈશ્વિક વ્યાપારના નિયમો પ્રતિ સન્માનની કમીનો આરોપ લગાવતા નિર્ણય લીધો હતો. ચીને જવાબી કાર્યવાહી કરતા અમેરિકાના 84% ટેક્સનો જવાબી પ્રહાર કર્યો છે. ચીને કહ્યું કે, આ બ્લેકમેલિંગનું અન્ય એક ઉદાહણ છે. ચીની વાણિજ્ય મંત્રાલયે તીખા શબ્દોમાં કહ્યું, 'અમેરિકાનું આ પગલું પોતાની સૌથી મોટી ભૂલ છે. જો અમેરિકા પોતાના રસ્તા પર અડગ રહ્યું તો ચીન પણ છેલ્લે સુધી લડી લેશે.'

આ પણ વાંચોઃ 'ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે અમેરિકા...' ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી ફરી મોટા યુદ્ધના એંધાણ

વૈશ્વિક બજારોમાં હાહાકાર

ટેરિફના આ તણાવની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી હતી. અમેરિકા અને એશિયાના બજારોમાં પણ ભારે કડાકો નોંધાયો હતો, જેણે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી દીધો હતો. જોકે, 90 દિવસ ટેરિફ મુલતવી રાખવાની જાહેરાત બાદ બજારમાં રિકવરીના સંકેત મળ્યા છે. ચીને અમેરિકાના આરોપોને નકારતા કહ્યું કે, તે ટેરિફની ધમકીઓ સામે ઝૂકવાનું નથી અને અમને છેલ્લાં આઠ વ્ષથી અમેરિકા સાથે વ્યાપાર તણાવનો અનુભવ છે. ચીને વાટાઘાટોની સંભાવનાનો ઈનકાર નથી કર્યો પરંતુ, એ સ્પષ્ટ કરી દીધું કે તે અમેરિકાના દબાણમાં નહીં આવે.