- ટેરિફ ડે ને ટ્રમ્પે 'આઝાદી દિન' કહ્યો છે : પરંતુ ટ્રમ્પ જે રીતે યુ-ટર્ન લે છે તે જોતાં તેઓ શું કરશે તે કહેવું મુશ્કેલ નહીં અસંભવ છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨ એપ્રિલથી કેટલાએ દેશો ઉપર ભારે ટેરિફ લાદવાના છે તે દિવસને તેઓએ લિબરેશન-ડે (આઝાદી-દિન) કહ્યો છે. પરંતુ ટ્રમ્પ જે રીતે યુ-ટર્ન લે છે, તે જોતાં તેઓ શું કરશે તે કહેવું મુશ્કેલ નહીં, અસંભવ છે.
આમ છતાં તેમણે કેટલીક 'હીટ' આપી છે. તેની ઉપર સૌની નજર છે. તેઓએ કહ્યું છે કે તેઓ કેટલાક દેશોને છૂટછાટ આપી દેશે.
ભારત જેવા અમેરિકાના નિકટવર્તી દેશો અને વ્યાપારી પાર્ટનર દેશ ટ્રમ્પના ટેરિફમાંથી મુક્તિ મેળવવા મથી રહ્યા છે. પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે તેવી મુક્તિ મેળવવી મુશ્કેલ બનશે.
સોમવાર ૨૪ માર્ચે તેમણે કહ્યું : ઓટોમોબાઈલ ટેરિફ વહેલામાં વહેલી તકે લાગુ પડશે. છતાં તેમ પણ કહ્યું કે તે ૨ એપ્રિલથી જ લાગુ નહીં પડે, કેટલાક દેશોને છૂટછાટ પણ મળશે. જો કે તે છૂટછાટો કેટલી મળશે તેની કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
તેઓએ કહ્યું : નજીકનાં ભવિષ્યમાં ઓટો ફાર્માસ્યુટિકલ્સ અને એલ્યુમિનિયમ ઉપર ટેરિફ લગાડાશે.
બીજી તરફ તેમના બે સીનીયર અધિકારીઓ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બીસેન્ટ અને વ્હાઇટ હાઉસના મુળ આર્થિક સલાહકાર કેવિન હેસેટકે, આખરી નિર્ણય લેતાં પહેલાં પ્રમુખ સામેના દેશો કેવા જવાબી ટેરિફ લગાડે છે તે જોવામાં આવશે.
રોઇટર્સ સરકારી સૂત્રોનો હવાલો આપતાં કહે છે કે, ભારત વૉશિંગ્ટન સાથે પહેલાં ચરણમાં વ્યાપારી સમજૂતીના ભાગરૂપે ૨૩ અબજ ડોલરના અર્ધાથી વધુ આયાત પર ટેરિફ કામ મુકવા તૈયાર છે. ભારત તે એટલા માટે કરશે કે ૨જી એપ્રિલથી તેની ઉપર જવાબી ટેરિફ ન લાગે. નવી દિલ્હીએ અનુમાન લગાડયું છે કે જો જવાબી ટેરિફ (વળતો ટેરિફ) લગાડાય તો અમેરિકામાં થતી તેની ૬૬ અબજ ડોલરની નિકાસના ૮૭% હિસ્સાને અસર થાય.
વર્લ્ડ ટ્રેડ સેન્ટરના આંકડા પ્રમાણે અત્યારે અમેરિકાને ભારત સાથેના વ્યાપારમાં ૪૫.૬ બિલિયન ડૉલરની વ્યાપારી ખાદ્ય છે જેમાં સરેરાશ ૨.૨%નો ટેરિફ ભારતના ૧૨ ટકાથી ઘણો જ ઓછો છે.


