| (IMAGE - IANS) |
Donald Trump Greenland Strategy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લઈને પોતાના વલણમાં મોટો ફેરફાર કર્યો છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF)ની બેઠક દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગ્રીનલેન્ડના મુદ્દે સૈન્ય શક્તિનો ઉપયોગ કરશે નહીં. આ સાથે જ તેમણે યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની આપેલી ધમકી પણ હાલ પૂરતી પાછી ખેંચી લીધી છે.
નાટો ચીફ સાથેની મુલાકાત બાદ વલણ બદલાયું
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્રમ્પના નિવેદનોને કારણે નાટો(NATO) દેશોમાં ચિંતાનો માહોલ હતો અને વૈશ્વિક ટ્રેડ વોરનો ખતરો મંડરાઈ રહ્યો હતો. જોકે, દાવોસમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પના સૂર બદલાયા છે. તેમણે સંકેત આપ્યા છે કે આ વિવાદને ઉકેલવા માટે એક સંભવિત સમજૂતીનું માળખું તૈયાર થઈ ગયું છે.

શું છે આ સંભવિત સમજૂતી?
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પશ્ચિમી આર્કટિક ક્ષેત્રના સહયોગી દેશો ગ્રીનલેન્ડના મુદ્દે એક નવા અને ઐતિહાસિક કરાર તરફ આગળ વધી રહ્યા છે. આ પ્રસ્તાવિત સમજૂતીમાં અમેરિકાની સુરક્ષા જરૂરિયાતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે, જે અંતર્ગત અત્યાધુનિક 'ગોલ્ડન ડોમ' મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની સ્થાપના કરવાની યોજના છે. આ ઉપરાંત, આ કરાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના એવા ગ્રીનલેન્ડના ખનિજ સંસાધનો સુધી અમેરિકાની પહોંચને સરળ બનાવશે. આ સમજૂતી પાછળનો મુખ્ય હેતુ આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની વધતી જતી મહત્વાકાંક્ષાઓ અને પ્રભાવ પર રોક લગાવવાનો છે. ટ્રમ્પે પત્રકારો સામે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ એક એવો સર્વગ્રાહી કરાર સાબિત થશે જેનાથી તમામ પક્ષો સંતુષ્ટ થશે અને તે સુરક્ષા તેમજ સંસાધનોની દ્રષ્ટિએ દરેક સહયોગી દેશને વધુ મજબૂત સ્થિતિમાં લાવશે.
આ પણ વાંચો: પાકિસ્તાને કરી ટ્રમ્પની 'જી હજુરી', ગાઝા બોર્ડનું સભ્ય બનીને 9000 કરોડ ચૂકવવા તૈયાર!
'બળપ્રયોગ નહીં કરું' – ટ્રમ્પની સ્પષ્ટતા
અગાઉ એવી અટકળો હતી કે અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે સૈન્ય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. પરંતુ ટ્રમ્પે હવે આ વાત નકારી દીધી છે. તેમણે કહ્યું કે, 'અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે ગ્રીનલેન્ડનું અમેરિકી નિયંત્રણમાં હોવું જરૂરી છે, પરંતુ હું આ માટે સૈન્ય તાકાતનો ઉપયોગ નહીં કરું. જો હું ઈચ્છું તો મને કોઈ રોકી શકે તેમ નથી, પણ હું તે રસ્તો નહીં અપનાવું.'
રશિયાએ શું કહ્યું?
બીજી તરફ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આ વિવાદથી અંતર જાળવ્યું છે. પુતિને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું કે, 'ગ્રીનલેન્ડમાં શું થાય છે તે અમારી ચિંતાનો વિષય નથી. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચેના સંબંધો તેમનો આંતરિક મામલો છે અને તેઓ પરસ્પર આ મુદ્દો ઉકેલી લેશે.'


