Get The App

ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપવું ભારે પડ્યું, મુસ્લિમોએ પાકિસ્તાન અને આરબ દેશોનો કર્યો વિરોધ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપવું ભારે પડ્યું, મુસ્લિમોએ પાકિસ્તાન અને આરબ દેશોનો કર્યો વિરોધ 1 - image

Donald Trump Gaza Peace Plan : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે રજૂ કરાયેલા 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવને લઈને પાકિસ્તાન સહિત મુસ્લિમ દેશોમાં ભારે વિવાદ થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાન સહિત કેટલાક આરબ રાષ્ટ્રો પર પેલેસ્ટાઈનના મુદ્દે ‘ઉમ્માહ સાથે ગદ્દારી’ કરવાનો આરોપ લાગી રહ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર ગાઝા યોજનાને 100 ટકા સમર્થન આપ્યું છે, પરંતુ આ નિવેદન બાદ દેશમાં ઉગ્ર વિરોધ થતાં શાહબાઝ સરકાર હવે યુ-ટર્ન લેવા મજબૂર બની છે.

ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં દાવો કર્યો હતો કે, તેમના ગાઝા શાંતિ પ્રસ્તાવને પાકિસ્તાન તરફથી 100 ટકા સમર્થન મળેલું છે. ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ (Pakistan PM Shehbaz Sharif) અને સેના પ્રમુખ આસિમ મુનીર (Pakistan Army Chief Asim Munir) ને ગાઝા યોજનાની વાતચીતમાં સામેલ અત્યંત સક્રિય વિશ્વ નેતાઓમાં ગણાવ્યા હતા. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલ શરૂઆતથી જ અમારી સાથે હતા.

ટ્રમ્પનો ગાઝા શાંતિનો પ્રસ્તાવ

ટ્રમ્પે રજૂ કરાયેલા 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવની કેટલીક બાબતોના કારણે વિવાદ સર્જાયો છે. તે સૂત્રોમાં પેલેસ્ટાઈની સંગઠન હમાસને હથિયારો હેઠા મુકાવી ગાઝામાં તેઓની ભૂમિકા સમાપ્ત કરવી... ગાઝાનું સંચાલન એક સ્વતંત્ર ટેક્નોક્રેટના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરાવવું, જેની દેખરેખ ટ્રમ્પની અધ્યક્ષતાવાળા બોર્ડ ઓફ પીસ નામના આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા કરાવવું... ઈઝરાયેલ ગાઝામાંથી તબક્કાવાર પીછેહઠ કરે... ઈઝરાયેલી બંધકો અને પેલેસ્ટાઈની કેદીઓની અદલા-બદલી કરવી... આરબ દેશોએ ગાઝાના પુનર્નિર્માણનો ખર્ચ ઉઠાવે... પેલેસ્ટાઈનને ભવિષ્યમાં રાજ્યનો અસ્પષ્ટ વચન આપ્યું...

મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પના 20 સૂત્રીય શાંતિ પ્રસ્તાવની આ બાબતોને કેટલાક લોકો ‘ટુ-સ્ટેટ સરન્ડર’ ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે, આ બાબતોના કારણે પેલેસ્ટાઈનીઓની સાર્વભૌમત્વ છીનવાઈ શકે છે અને ઈઝરાયેલની સુરક્ષાને કાયદેસરતા મળી શકે છે.

પાકિસ્તાની PMએ પહેલા ટ્રમ્પને ખુશ કર્યા અને પીછેહઠ કરી

ગાઝામાં શાંતિ સ્થાપવા માટે ટ્રમ્પ અનેક પ્રયાસો કરતા રહ્યા છે અને પાકિસ્તાનના વડાપ્રધાન પણ ટ્રમ્પને વારંવાર સમર્થન આપતા અને વખાણ કરતા રહ્યા છે. શરીફે તાજેતરમાં જ અમેરિકાને ખુશ કરવાના માટે ટ્રમ્પના ગાઝા પ્લાનનો યોગ્ય ઠેરવ્યો હતો. ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન ગાઝા પ્લાનનું 100 ટકા સમર્થન કરી રહ્યું છે, જોકે હવે અમેરિકાની ગાઝા પ્લાનની વાતો માનનાર પાકિસ્તાનના વડાપ્રધાન પોતાના જ દેશમાં જ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે, જેના કારણે શરીફ સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરી રહી હોય, તેવું દેખાઈ રહ્યું છે.

શાંતિ પ્રસ્તાવ અમેરિકાનો દસ્તાવેજ છે, અમારો નથી : રોષ બાદ પાકિસ્તાની વિદેશમંત્રીનો યુ-ટર્ન

ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપ્યા બાદ પાકિસ્તાનના ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ન્યૂઝ વોબસાઈટ ડોનના રિપોર્ટ મુજબ, લોકોના આક્રોષ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર (Ishaq Dar)એ ટ્રમ્પને સમર્થન મામલે યુ-ટર્ન લીધો છે. ડારે કહ્યું કે ‘ટ્રમ્પનો 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવ અમેરિકાનો દસ્તાવેજ છે અને તે અમારો દસ્તાવેજ નથી. પાકિસ્તાને મુસ્લિમ દેશ તરીકે ગાઝાના લોકો પ્રત્યે પ્રેમ હોવાથી યુદ્ધવિરામ, હુમલા રોકવા, માનવતાવાદી સહાય ચાલુ રાખવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકાને સૂચનો મોકલ્યા હતા.’ જોકે, ડારએ સ્વીકાર્યું કે પાકિસ્તાન દ્વારા મોકલેલા તમામ સૂચનો અમેરિકાએ માન્યા નથી.

આ પણ વાંચો : ગાઝામાં પીસ પ્લાન : ટ્રમ્પનું હમાસને ત્રણ દિવસનું અલ્ટિમેટમ

ગાઝામાં પાક. સૈનિકો મોકલવાનો નિર્ણય ટોચનું નેતૃત્વ કરશે : ઈશાક ડાર

ટ્રમ્પે પીએમ શરીફની જેમ આસિમ મુનીરનું નામ પણ એવા નેતાઓમાં લીધું હતું જે આ સમજૂતીના પક્ષમાં છે. વિદેશ મંત્રી ઈશાક ડારે સ્પષ્ટ કહ્યું કે, ટ્રમ્પની યોજનામાં એક સ્વતંત્ર ટેક્નોક્રેટના નેતૃત્વવાળી પેલેસ્ટાઈની સરકારની સ્થાપના સામેલ છે. જ્યારે ગાઝામાં પાકિસ્તાની સૈનિકો મોકલવાના મુદ્દે તેમણે કહ્યું કે આ નિર્ણય ટોચનું નેતૃત્વ લેશે.

ટ્રમ્પના પ્રસ્તાવને 8 દેશોનું સમર્થન, પાકિસ્તાનમાં વિરોધ

ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવને ભારત, ચીન, રશિયા, સાઉદી અરબ, કતાર, સંયુક્ત અરબ અમીરાત, ઈજિપ્ત, જોર્ડન, તુર્કી અને ઈન્ડોનેશિયાએ આવકાર્યો છે. બીજીતરફ અગાઉ ટ્રમ્પના પ્રસ્તાવનું સમર્થન કરનાર પાકિસ્તાને પાછીપાની કરવી પડી છે, કારણ કે દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને જનતા-સોશિયલ મીડિયા યુઝર્સ સમર્થનને 'ધોખો' અને પેલેસ્ટાઈન સાથે 'બેવફાઈ' ગણાવી રહ્યા છે. વડા પ્રધાન શહબાઝ શરીફને 'ગદ્દાર' ઠેરવવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાઓ પણ સરકારની આકરી ટીકા કરી રહ્યા છે.

બેન્જામિન નેતન્યાહૂની વાત

ટ્રમ્પે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક કર્યા બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં 20-સૂત્રીય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નેતન્યાહૂએ ટ્રમ્પના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી હતી. એવું કહેવાય છે કે, પ્રસ્તાવના કારણે ઈઝરાયલને અનેક ફાયદો થઈ શકે છે. ટ્રમ્પે ગાઝા મામલે વાત કરતી વખતે પાકિસ્તાનના સમર્થન માટે પીએમ શરીફ અને સેના પ્રમુખ મુનીરનો વિશેષ આભાર માન્યો હતો, જેના કારણે પાકિસ્તાનમાં વિવાદ વધુ વકર્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પનાં ગાઝા પીસ પ્લાનને સમર્થન આપવા બદલ શરીફ સામે પાકિસ્તાનમાં વિદ્રોહ અગ્નિ