| (IMAGE - IANS) |
Trump Declares Acting President Venezuela: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે. વેનેઝુએલા પર અમેરિકન સૈન્ય કાર્યવાહી અને ત્યાંના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, હવે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાને વેનેઝુએલાના 'એક્ટિંગ પ્રેસિડેન્ટ' એટલે કે 'કાર્યકારી રાષ્ટ્રપતિ' જાહેર કરી દીધા છે.
ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ વાઇરલ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ સોશિયલ' પર એક ડિજિટલી એડિટ કરેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં ટ્રમ્પે પોટ્રેટની નીચે તેમને 'એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા' તરીકે દર્શાવ્યા છે. આ પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે તેઓ જાન્યુઆરી 2026થી આ પદ પર બિરાજમાન છે.

નિકોલસ માદુરોની ધરપકડ અને અમેરિકામાં કેસ
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકન સૈન્ય હસ્તક્ષેપ બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસની ધરપકડ કરવામાં આવી છે. તેમને ખાસ વિમાન દ્વારા અમેરિકા લાવવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર, માદુરો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં ડ્રગ ટ્રાફિકિંગ(નાર્કો-ટેરરિઝમ) અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ હેઠળ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
વેનેઝુએલામાં સત્તાનું નવું માળખું
વેનેઝુએલામાં અમેરિકન સૈન્ય હસ્તક્ષેપ અને પ્રમુક નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કર્યા બાદ દેશમાં નવી શાસન વ્યવસ્થા ઊભી થઈ છે. વેનેઝુએલાના કાયદા મુજબ, વાઇસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝે સુપ્રીમ ટ્રિબ્યુનલ ઑફ જસ્ટિસ સમક્ષ વચગાળાના પ્રમુખ તરીકે શપથ લીધા છે જેથી વહીવટી સાતત્ય જળવાઈ રહે. જોકે, બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાને વેનેઝુએલાના 'કાર્યકારી પ્રમુખ' ગણાવતી પોસ્ટ મૂકીને નવો વિવાદ શરુ કર્યો છે. ટ્રમ્પનો આ દાવો સૂચવે છે કે ભલે સ્થાનિક સ્તરે રોડ્રિગ્ઝ વચગાળાના પ્રમુખ બન્યા હોય, પરંતુ અમેરિકા વેનેઝુએલાના વહીવટ અને સંસાધનો પર સીધો પ્રભાવ પાડવા અને તેને પોતાની દેખરેખ હેઠળ ચલાવવા માંગે છે.
આ પણ વાંચો: 'ડીલ કરો નહીંતર...' વેનેઝુએલા અને ઈરાન બાદ હવે વધુ એક દેશને ડોનાલ્ડ ટ્રમ્પે ધમકાવ્યાં
ઓઇલ ભંડાર અને ભવિષ્યની યોજના
ટ્રમ્પે અન્ય એક નિવેદનમાં દાવો કર્યો છે કે વેનેઝુએલાના સત્તાધારીઓ 30થી 50 મિલિયન બેરલ ઓઇલ અમેરિકાને સોંપવા સંમત થયા છે. ટ્રમ્પના મતે, આ તેલના વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકાના લોકોના હિત માટે કરવામાં આવશે.


