'વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ...' ટ્રમ્પના સૂર બદલાયા!

Donald Trump Foreign Students Policy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસની મંજૂરી આપવાના પગલાને સમર્થન આપ્યું છે. ટ્રમ્પના મતે, આ પગલું માત્ર શિક્ષણ પ્રણાલીને મજબૂત કરતું નથી, પણ આર્થિક રીતે પણ ખૂબ ફાયદાકારક છે.
વિદેશી વિદ્યાર્થીઓ ઘટવાથી અડધી યુનિવર્સિટીઓ બંધ થવાનો ભય
એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં કાપ મૂકવામાં આવે તો અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓ બંધ થઈ જશે અને તબાહ થઈ જશે. તેમણે કહ્યું કે, 'વિશ્વભરમાંથી આવતા વિદ્યાર્થીઓને રોકવા ન જોઈએ, કારણ કે આપણે આખી દુનિયા સાથે તાલમેલ જાળવીને ચાલવું જોઈએ.'
અમેરિકન અર્થતંત્રમાં ટ્રિલિયન ડૉલરનું યોગદાન
ટ્રમ્પે દાવો કર્યો કે જો ચીન અને અન્ય દેશોના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો અમેરિકાની લગભગ અડધી યુનિવર્સિટીઓ બંધ થવાની સંભાવના છે. તેમના મતે, વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકન અર્થતંત્રમાં ટ્રિલિયન ડૉલરનું યોગદાન આપે છે અને સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં બમણી ફી ભરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'હું આપણી શિક્ષણ પ્રણાલીને વિકસતી જોવા માંગુ છું, આ માત્ર વિદ્યાર્થીઓને બોલાવવાનો નહીં, પણ એક બિઝનેસ મૉડલનો મુદ્દો છે.'
હજારો વિઝા રદ, ધરપકડ-દેશનિકાલના કિસ્સા
જોકે, આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક કરી દીધા છે. હજારો વિઝા રદ કરવામાં આવ્યા છે અને કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને પ્રો-પેલેસ્ટાઇન પ્રવૃત્તિઓને કારણે ધરપકડ કરવામાં આવી છે અથવા દેશનિકાલ કરવામાં આવ્યા છે.
જ્યારે ઇન્ગ્રાહમે સૂચવ્યું કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાથી અમેરિકન વિદ્યાર્થીઓ માટે બેઠકો વધશે, તો ટ્રમ્પે અસહમતિ વ્યક્ત કરી અને કહ્યું કે તેનાથી નાની કૉલેજો અને બ્લેક હિસ્ટોરિકલ યુનિવર્સિટીઝને ભારે નુકસાન થશે.
આ પણ વાંચો: 'ઘરમાં ઘૂસી હુમલો કરીશું, સજ્જડ જવાબ મળશે', ખ્વાઝા આસિફની અફઘાનિસ્તાનને ધમકી
માર્કો રૂબિયો દ્વારા વિઝા ઇન્ટરવ્યૂ પર અસ્થાયી રોક
બીજી તરફ, વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યૂ પર અસ્થાયી રૂપે રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. હવે પ્રશાસન 'કૉમ્પેક્ટ ફોર એકેડેમિક એક્સેલન્સ ઇન હાયર એજ્યુકેશન' નામની નવી નીતિ પર કામ કરી રહ્યું છે, જેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા કુલ અંડરગ્રેજ્યુએટ પ્રવેશના 15% સુધી મર્યાદિત રાખવાની અને કોઈ એક દેશમાંથી 5% થી વધુ વિદ્યાર્થીઓને મંજૂરી ન આપવાની યોજના છે. ઘણા ટોચના સંસ્થાઓ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.

