World

ટ્રમ્પના વિશ્વાસપાત્ર સહાયક સર્જિયો ગોરની ભારતમાં નિમણૂકથી મોટા સંકેતો, ગોરના સહારે એશિયા સર કરી લેવાનું લક્ષ્ય

By GS TEAM
23 Aug 20254 mins read
TukuTouch Logo
Trump Names Close Aide Sergio Gor as US Envoy to India : ભારત-અમેરિકાના સંબંધો હાલમાં તણાવપૂર્ણ ચાલી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક અતિ નજીકના અને વિશ્વસનીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવાની ઘોષણા કરી છે. આ પદ ઘણા મહિનાઓથી ખાલી હતું અને આ નિર્ણયને ભારત પ્રત્યેની ટ્રમ્પ પ્રશાસનની નવી રણનીતિના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના વિશ્વાસપાત્ર સહાયક સર્જિયો ગોરની ભારતમાં નિમણૂકથી મોટા સંકેતો, ગોરના સહારે એશિયા સર કરી લેવાનું લક્ષ્ય

Trump Names Close Aide Sergio Gor as US Envoy to India : ભારત-અમેરિકાના સંબંધો હાલમાં તણાવપૂર્ણ ચાલી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક અતિ નજીકના અને વિશ્વસનીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવાની ઘોષણા કરી છે. આ પદ ઘણા મહિનાઓથી ખાલી હતું અને આ નિર્ણયને ભારત પ્રત્યેની ટ્રમ્પ પ્રશાસનની નવી રણનીતિના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

સર્જિયો ગોર: ટ્રમ્પના 'MAGA' અભિયાનના આર્કિટેક્ટ

38  વર્ષના સર્જિયો ગોર ટ્રમ્પના રાજકીય જૂથમાં એક મહત્ત્વની વ્યક્તિ છે. તેઓ ટ્રમ્પના 2016 ના ચૂંટણી પ્રચારથી જોડાયેલા હતા. 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' (MAGA)નું વાતાવરણ નિર્માણ કરવામાં તેમની જે ભૂમિકા રહી છે, એની ટ્રમ્પ દ્વારા સરાહના પણ કરવામાં આવી છે. ચૂંટણી જીત બાદ, ટ્રમ્પે તેમને વ્હાઇટ હાઉસના રાષ્ટ્રપતિ કર્મચારીઓના ડિરેક્ટરના પદે નિયુક્ત કર્યા હતા. 

સર્જિયો ગોરના મૂળિયાં એશિયામાં છે 

સર્જિયો ગોર જન્મે એશિયન છે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં 30, નવેમ્બર 1986 ના રોજ જન્મેલા ગોર 12 વર્ષની ઉંમરે અમેરિકા આવ્યા હતા. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ રિપબ્લિકન પક્ષમાં સક્રિય થયા હતા. એ પછી તેમણે અન્ય નેતાઓ માટે પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું.

નિમણૂક પાછળનું રાજકારણ 

આ નિમણૂક એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે વેપારી તણાવ ચરમસીમા પર છે. ટ્રમ્પે ભારતીય સામાન પર 50 % ટેરિફ લાદવાની ઘોષણા કરી છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. નિષ્ણાતો માને છે કે ભારત સાથે સંબંધો સંપૂર્ણપણે બગાડવા અમેરિકાના હિતમાં નથી. તેથી ટ્રમ્પે એક તરફ ટેરિફ દ્વારા દબાણ સર્જવાનું વલણ અપનાવ્યું છે તો બીજી તરફ વાટાઘાટો માટે એક વિશ્વસનીય પ્રતિનિધિની નિમણૂક પણ કરી છે, જે તેમના વતી ભારતને સાચવી લે.

ભારત-અમેરિકા સંબંધોમાં કડવાશ કેવી રીતે ભળી?

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ગાઢ બન્યા હતા. ટ્રમ્પના સત્તામાં આવતાં જ બંને દેશો વચ્ચે કડવાશ ભળવા લાગી, જેના ત્રણ મુખ્ય કારણો નીચે મુજબ છે.

1) રશિયા સાથે વેપાર 

ટ્રમ્પ ભારતના રશિયા સાથેના વેપારથી ખુશ નથી. તેમણે ભારત દ્વારા રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાના મુદ્દાને મોટો બનાવ્યો છે. તેમનું કહેવું છે કે ભારત પાસેથી થતી આવકને લીધે રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં ટકી ગયું છે.

2) કૃષિ અને ડેરી ક્ષેત્રનો સોદો 

અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના કૃષિ અને ડેરી ક્ષેત્ર અમેરિકન માલ માટે ખોલી દે, પણ ભારત સરકારે ખેડૂતો અને દૂધનો વ્યવસાય કરતા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને આમ કરવાનો ઇનકાર કર્યો છે, જેથી ટ્રમ્પ નારાજ થયા છે.

3) બ્રિક્સ દેશોની એકતા ખટકે છે

ભારત-અમેરિકા સંબંધોમાં કડવાશનું એક કારણ બ્રિક્સને પણ ગણાવવામાં આવ્યું છે. બ્રિક્સમાં ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ બધા દેશો ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવા માંગે છે. એમ થતાં અમેરિકાને નુકસાન થાય એમ છે. આ જ કારણ છે કે ટ્રમ્પ ભારત સહિત બાકીના બ્રિક્સ દેશો સાથે વેપાર સમાપ્ત કરવાની ધમકી આપી રહ્યા છે.

ભારતની બહુપક્ષીય નીતિ ટ્રમ્પ માટે ચિંતાનો વિષય બની 

અમેરિકાના આક્રમક વલણને કારણે, ભારતે પોતાની વિદેશ નીતિમાં વૈવિધ્ય આણ્યું છે. ભારતે યુરોપિયન યુનિયન અને રશિયા સાથે વેપારી કરારોને મજબૂત કરવાનું પગલું ભર્યું છે, સાથોસાથ ચીન સાથે સંબંધો સુધારવાની દિશામાં પણ પ્રયત્ન શરૂ કર્યા છે, જેને લીધે ટ્રમ્પ પ્રશાસન અસ્વસ્થ થઈ ગયું છે. તેથી ટ્રમ્પે તેમના વિશ્વાસપાત્ર સહાયકને દિલ્હી મોકલીને ભારત સાથેના સંબંધોને પુનઃપ્રાથમિકતા આપવાની ચાલ ચાલી છે.

ગોરની ભૂમિકા ભારત પૂરતી મર્યાદિત નહીં રહે 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગોરની ભૂમિકા માત્ર ભારતના રાજદૂત સુધી મર્યાદિત નથી રહેવાની. તેમને દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા માટેના ખાસ દૂત પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ એક નવી અને અનોખી પદ્ધતિ છે, જેમાં એક જ વ્યક્તિને આ પ્રદેશો માટેની જવાબદારી સોંપવામાં આવી છે. અમેરિકાએ અગાઉ આવું ક્યારેય નથી કર્યું. એનો અર્થ એ થાય છે કે ગોર પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા પડોશી દેશો સાથે પણ વાર્તાલાપ કરશે. કેટલાક વિશ્લેષકો આને ભારત માટે ચિંતાજનક સંકેત માને છે. એને લીધે અમેરિકા ભારત અને પાકિસ્તાનને એકસમાન દૃષ્ટિકોણથી મૂલવશે, એવી ભીતિ સેવાઈ રહી છે. આમ થશે તો આ નીતિ ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. 

ટ્રમ્પના શબ્દો સૂચક છે 

સોશિયલ મીડિયા પર ગોરની નિમણૂકની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે જે શબ્દો વાપર્યા હતા તે પણ ધ્યાન આપવા યોગ્ય છે. ઐતિહાસિક રીતે, અમેરિકન નેતાઓ ભારતને 'વ્યૂહાત્મક ભાગીદાર' કહીને સંબોધિત કરતા આવ્યા છે. પરંતુ ટ્રમ્પે ગોરને ‘વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા ભાગ’માં તેમના 'MAGA' એજન્ડાને આગળ વધારવા માટે મોકલવાનો ઉલ્લેખ કર્યો છે. આ ભાષા સૂચવે છે કે ટ્રમ્પ પ્રશાસન ભારત સાથેના સંબંધોને મુખ્યત્વે વેપારી અને વ્યવહારુ લેન્સથી જોશે, વ્યૂહાત્મક ભાગીદારીના લેન્સથી નહીં.

શું આ પગલાથી ભારત-અમેરિકા સંબંધોની દિશા બદલાશે?

સર્જિયો ગોરની નિમણૂકથી સાબિત થાય છે કે ટ્રમ્પ પ્રશાસન ભારત સાથેના સંબંધોને ગંભીરતાથી લે છે. ભારતે પહેલાથી જ ટેરિફના મુદ્દે રણનીતિક સ્વાયત્તતા દર્શાવી દીધી છે. ગોરની ભૂમિકા ફક્ત ભારત પૂરતી સિમિત ન રહીને એશિયામાં વિસ્તૃત રહેવાની હોવાથી એ ભારત માટે પડકારો સર્જી શકે છે. ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવી પડશે. આ નિમણૂક નવા યુગની શરૂઆત છે, જેમાં ભારત-અમેરિકાના સંબંધો વધુ જટિલ, વધુ વ્યવહારુ બની શકે છે.