'પુતિન પાગલ થઈ ગયા છે, લોકોને મારી રહ્યા છે', યુક્રેન પર રશિયાની એરસ્ટ્રાઈક બાદ ટ્રમ્પ લાલઘૂમ
Donald Trump Angry on Russia Airstrike: રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ યુક્રેન પર તેણે 367 ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો છે. જેના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ગુસ્સે છે.
પુતિન પાગલ થઈ ગયા છે: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું - 'મારા હંમેશા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે, પરંતુ તેમની સાથે કંઈક એવું બન્યું છે કે તેઓ એકદમ પાગલ થઈ ગયા છે. પુતિન ઘણા લોકોને બિનજરૂરી રીતે મારી રહ્યા છે. યુક્રેનિયન શહેરો પર કોઈ કારણ વગર મિસાઈલ અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે.'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 'હું પુતિનના કામથી ખુશ નથી. હું તેમને લાંબા સમયથી ઓળખું છું, હું હંમેશા તેમની સાથે રહ્યો છું, પરંતુ તે શહેરોમાં રોકેટ ફેંકી રહ્યા છે અને લોકોને મારી રહ્યા છે. મને તે બિલકુલ પસંદ નથી.'
યુક્રેનિયન અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે રશિયાએ ફેબ્રુઆરી 2022 પછી યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા.
આ પણ વાંચો: ભારત વિરુદ્ધ લડવા પરમાણુ હથિયારો વધારવા ચીન પાકિસ્તાનને કરશે મદદ : અમેરિકાનો રિપોર્ટ
આ રશિયાના પતનનું કારણ બનશે: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, 'જો પુતિન આખા યુક્રેન પર કબજો કરવા માંગે છે, તો તે રશિયાના પતન તરફ દોરી જશે.'
ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પણ ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું, 'તમારી જે વાતચીત કરવાની રીત છે તેનાથી દેશનું ભલું નહિ થાય. તમારા મોંમાંથી નીકળતી દરેક વસ્તુ સમસ્યાઓનું કારણ બને છે, મને એ યોગ્ય નથી લાગતું. તેને રોકવું જોઈએ.'