રશિયા ખરેખર શાંતિ ઇચ્છે છે ? : થોડા સમયમાં જાણી શકાશે : અમેરિકાના વિદેશ મંત્રીએ નાટોની બેઠકમાં કહ્યું
- તાજેતરના દિવસોમાં અમેરિકાને પુતિનના ઈરાદાઓ અંગે શંકા થઈ છે
- શંકાઓ છતાં પુતિનની શાંતિ-પ્રતિબદ્ધતામાં ટ્રમ્પને વિશ્વાસ છે, યુરોપીય સાથીઓ યુદ્ધ વિરામની નિશ્ચિત સમય રેખાનો આગ્રહ રાખે છે
વોશિંગ્ટન : તાજેતરના દિવસોમાં હવે અમેરિકાને પુતિનના ઇરાદાઓ અંગે શંકા ઉપસ્થિત થઈ છે. તેઓ ખરેખર યુદ્ધ વિરામ ઇચ્છે છે કે કેમ તે વિષે યુરોપના દેશોને શંકા છે. તે સંયોગોમાં બુ્રસેલ્સમાં મળેલી નાટો દેશોના વિદેશ મંત્રાલયોની પરિષદમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કોરૂબિઓએ શુક્રવારે કહ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધ વિરામ અને શાંતિ અંગે રસિયાના શા ઈરાદા છે તે થોડા મહિનાઓમાં નહીં થોડાં સપ્તાહોમાં જ જાણી શકાશે.
આ બેઠકમાં અમેરિકાના યુરોપીય દેશોના નાટો સાથીઓએ કહ્યું હતું કે, યુદ્ધ વિરામ અંગે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયાને જણાવ્યું હોવા છતાં રશિયા યુદ્ધ વિરામ ઠેલ્યા જ કરે છે.
યુક્રેન યુદ્ધનો તેઓ તૂર્ત જ નિકાલ લાવી દેશે. તેવાં ચૂંટણી વચન સાથે તો ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા. તેથી ફરી એકવાર ટ્રમ્પે કહ્યું હતું કે, વાસ્તવમાં પુતિન શાંતિ માટે પ્રતિબદ્ધ છે.
આ સંદર્ભમાં નાટોની બેઠકમાં માર્કો રૂબિઓએ કહ્યું હતું કે, આનો અર્થ જો પગ ઢસડવાનો જ થતો હોય તો પ્રમુખ ટ્રમ્પ અનંત સુધી ચાલતી વાટાઘાટોનાં છટકાંમાં પડવા માગતા નથી અમે તે જોવા માગીએ છીએ કે રશિયા ખરેખર શાંતિ ઇચ્છે છે કે કેમ તે શબ્દોમાં નહીં કાર્યમાં પણ દેખાવું જોઈએ.
આમ શંકા આશંકા વચ્ચે પણ વોશિંગ્ટન બંને પક્ષો સાથે મંત્રણા કરી જ રહ્યું છે.