ઇંગ્લેન્ડનાં નોધમ્પટન શહેરમાં ધામધૂમથી દિવાળી ઉજવાઈ, કલાકારોએ રામાયણનાં પાત્રો જેવી વેશભૂષા ધારણ કરી

- 'હિન્દુઓએ કોઈની ભૂમિ આંચકી નથી, પરાણે ધર્માંતરણ કરાવ્યું નથી'
- દુનિયાના અનેક દેશોમાં દશેરા-દિવાળી ખાસ કરીને દિવાળી ધામધૂમથી ઉજવાય છે પરંતુ નોધમ્પટનમાં ઉજવણી વિશિષ્ટ રીતે ઊજવાય છે
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર્વોચ્ચ નેતા સર-સંઘ સંચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે, હિન્દુ ધર્મ કે હિન્દુઓએ કોઈની પણ ભૂમિ આંચકી નથી કે કોઈનું પણ પરાણે ધર્માંતરણ કરાવ્યું નથી. મહાકાવ્યો કે ગીતા આપોઆપ વિદેશોમાં પ્રસરી રહ્યાં છે. દુનિયામાં કદીએ હિન્દુઓએ પરાણે છેતરપિંડી કે લાલચ દ્વારા ધર્માંતરણ કરાવ્યું નથી. મોહન ભાગવતના આ શબ્દો અક્ષરશ: સાચા છે. દુનિયાના અનેક દેશોમાં દશેરા-દિવાળી વગેરે તહેવારો ઉજવાય છે. વિદેશીઓ પણ તેનો અભ્યાસ કરે છે. યુએસ.ના પૂર્વ મહામંત્રી બાન-કી-મૂને તો ત્યાં સુધી કહ્યું હતું કે દુનિયાભરમાં ગીતાનો પ્રચાર કરવો જોઈએ.
દુનિયાના અનેક દેશોમાં દશેરા- દિવાળીની ઉજવણી થાય છે. શિખ-ધર્મીઓ પણ દિવાળી ઉજવે છે. વેદિક ધર્મી હિન્દુઓ કે જૈનો કે બૌદ્ધો પણ દિવાળી ઉજવે છે. દિપોત્સવી તે અંધકાર પર પ્રકાશના વિજયનું મહાપર્વ છે.
ઇંગ્લેન્ડનાં નોધમ્પટનમાં દર વર્ષેની જેમ ધામધૂમથી દિવાળીની ઉજવણી થઈ હતી, તેમાં દિપોત્સવીના દિવસે હિન્દુઓ ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, સીતાજી, હનુમાનજી જેવી વેશભૂષા ધારણ કરીને, શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા કાઢે છે. આશ્ચર્ય તો તે છે કે તેમાં એક કલાકાર જટાયુની જેવી વેષભૂષા પહેરી શોભાયાત્રામાં ભાગ લે છે. તેમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણનાં પાત્રો પણ કેટલાક ભજવે છે. સમગ્ર માહોલ આનંદ ઉત્સાહભર્યો થઈ જાય છે. લોકો નૃત્ય કરતા તે શોભાયાત્રામાં જોડાય છે.

આ શોભાયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની હોય ત્યાં ખાવા-પીવાના તથા સોફટ ડ્રીંકસના સ્ટોલ હોય છે. હાર્ડ ડ્રીંકસ દારૂ કે સિગરેટના સ્ટોલ પ્રતિબંધિત હોય છે, જે સહજ છે. મનોરંજનના પણ સ્ટોલ હોય છે. તેમજ જાદુઈ-લાઈટ પરેડ પણ આ શોભાયાત્રામાં સામેલ હોય છે.
શોભાયાત્રાનાં આયોજકો પૈકીનાં એક નીલમ અગ્રવાલે કહ્યું હતું કે, પહેલા આ શોભાયાત્રા ઘણી મંદ રહેતી હતી, પરંતુ પછીથી આ ઉત્સવ એક સમુદાયિક ઉત્સવ બની રહ્યો છે. તેમાં બ્રિટિશર્સ પણ ભાગ લે છે. આ શોભાયાત્રામાં રામાયણની કથાનું પણ નિરૂપણ કરાયું છે.
નોધમ્પટન ટાઉન કાઉન્સિલમાં કોમ્યુનિટી સર્વિસ કમીટીના લેબર અધ્યક્ષ કીથ હોલેન્ડ ડેલ્મેરે કહ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર સાથે ભારતીય હિન્દુ કલ્યાણ સંગઠનને સમર્થન આપવાનો મને ગર્વ છે.









