Ditwah Cyclone Kills 90 in Sri Lanka : દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ઠેર ઠેર તબાહી મચાવી છે. ગઇકાલથી જ ભારે પવન સાથે વરસાદ અને પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 90 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો હજુ પણ ગુમ છે. હવે આ વાવાઝોડું ભારત પર આવતીકાલે ત્રાટકશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે દરિયા કાંઠાના રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાના કારણે શ્રીલંકામાં કેટલું નુકસાન થયું?
- ઓછામાં ઓછા 90 લોકોના મોત, 100થી વધુ હજુ ગુમ
- આવશ્યક સેવાઓ છોડી તમામ ટ્રેનો રદ
- રેસ્ક્યૂ ઓપરેશન માટે સેના તૈનાત
- લોકોને રેસ્ક્યૂ કરવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
શ્રીલંકાની મદદે આવ્યું ભારત
કુદરતના પ્રકોપ વચ્ચે ભારત શ્રીલંકાની વહારે આવ્યું છે અને ઓપરેશન સાગરબંધુ હેઠળ રાહત સામગ્રી મોકલવાની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી થયેલા વિનાશ પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'હું તમામ પ્રભાવિત પરિવારોને સાંત્વના પાઠવું છું તથા તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. પડોશી દેશ પ્રત્યે એકતાની ભાવના રાખી ભારતે ઓપરેશન સાગરબંધુ હેઠળ તાત્કાલિક સાગર સામગ્રી અને માનવીય સહાય પાઠવી છે. સ્થિતિ અનુસાર વધુ મદદ માટે પણ અમે તૈયાર છીએ.' આ સિવાય ભારતના વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે INS વિક્રાંત અને INS ઉદયગીરીની મદદથી કોલંબોમાં રાહત સામગ્રી પાઠવવામા આવી છે.
ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
દિતવાહ વાવાઝોડું શ્રીલંકા બાદ દક્ષિણ ભારત તરફ આગળ વધવાની શક્યતા છે. એવામાં આગામી ત્રણ દિવસ તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


