World

પશ્ચિમી દેશોના ભેદભાવવાળા પ્રતિબંધો સ્વીકાર્ય નથી, બ્રિક્સને મજબૂત બનાવીશું

By GS TEAM
31 Aug 20252 mins read
પશ્ચિમી દેશોના ભેદભાવવાળા પ્રતિબંધો સ્વીકાર્ય નથી, બ્રિક્સને મજબૂત બનાવીશું

એસસીઓ બેઠક પહેલાં પુતિનનો પશ્ચિમી દેશોને જવાબ

વૈશ્વિક મુદ્દાઓનાં સમાધાન અને આઈએમએફ તેમજ વિશ્વ બેન્કમાં સુધારો જરૂરી ઃ રશિયન પ્રમુખ પુતિન

તિયાનજિન: અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટેરિફની દાદાગીરી વચ્ચે વડાપ્રધાન મોદી, રશિયન પ્રમુખ સાથે અનેક દિગ્ગજ નેતાઓ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે ચીનના તિયાનજિન શહેરમાં પહોંચ્યા છે. આ બેઠક પહેલાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, અમે વૈશ્વિક મુદ્દાઓના સમાધાન માટે બ્રિક્સ સંગઠનને મજબૂત કરવા માટે એક છીએ. પશ્ચિમી દેશોના ભેદભાવવાળા પ્રતિબંધો સ્વીકાર્ય નથી. પુતિન એસસીઓ બેઠકની સાથે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે.

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રવિવારે જણાવ્યુ ંકે, ચીનના તિયાનજિનમાં શરૂ થઈ રહેલી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)નું શિખર સંમેલન સંગઠનમાં નવી તાકાતનો સંચાર કરશે. આ શિખર સંમેલન વર્તમાન પડકારો અને જોખમોનો સામનો કરવાની એસસીઓની ક્ષમતાને મજબૂત કરશે અને સંયુક્ત યુરેશિયાઈ ક્ષેત્રમાં એકતાને મજબૂત કરશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરતા રશિયન પ્રમુખે કહ્યું કે અમે વૈશ્વિક મુદ્દાઓના સમાધાન માટે બ્રિક્સ સંગઠનને મજબૂત કરવા માટે એક છીએ. જોકે, કોઈપણ પ્રકારના ભેદભાપૂર્ણ પ્રતિબંધોને સ્વીકારી શકાશે નહીં. આવા પ્રતિબંધ કોઈપણ દેશના આર્થિક વિકાસમાં અવરોધો ઊભા કરે છે.

તેમણે ઉમેર્યું કે, આ બધું એક વધુ ન્યાયસંગત બહુધુ્રવીય વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં મદદ કરશે. એસસીઓનું આકર્ષણ તેના સરળ પરંતુ શક્તિશાળી સિદ્ધાંતોમાં રહેલું છે. આ સિદ્ધાંત સંસ્થાપક દર્શન પ્રત્યે દૃઢ પ્રતિબદ્ધતા, સમાન સહયોગ માટે ખુલ્લાપણું, કોઈ ત્રીજા પત્રને નિશાન નહીં બનાવવા અને પ્રત્યેક રાષ્ટ્રની રાષ્ટ્રીય વિશેષતાઓ તથા વિશિષ્ટતાનું સન્માન છે. આ મૂલ્યોને અપનાવતા એસસીઓ વધુ ન્યાયસંગત, બહુધુ્રવીય વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં યોગદાન આપે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત છે અને સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય સમન્વયકારી ભૂમિકા છે.

રશિયન પ્રમુખે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) અને વિશ્વ બેન્કમાં સુધારા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ચીનના સહયોગીઓ સાથે અમે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેન્કમાં સુધારાનું સમર્થન કરીએ છીએ. અમે એ બાબત પર એકમત છીએ કે એક નવી નાણાકીય વ્યવસ્થા ખુલ્લાપણા અને સાચી સમતા પર આધારિત હોવી જોઈએ. તે વૈશ્વિક અર્થતંત્રમાં સભ્ય દેશોની વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.