ટ્રમ્પે, મોસ્કો અને બૈજિંગ બંનેને ખતમ કરવાની ધમકી આપી હતી ?

- ઓડીયો વાયરલ થયો છે જેમાં ટ્રમ્પની પુતિન અને શી જિનપિંગ વચ્ચેની વાતચીત અને તેમાં ટ્રમ્પે આપેલી ધમકી સંભળાય છે
વૉશિંગ્ટન : તાજેતરમાં પ્રમુખ ટ્રમ્પે પુતિન અને શી જિનપિંગને આપેલી ધમકીનો ઓડીયો વાયરલ થઇ ગયો છે. જેમાં તેઓ તેમ કહેતા સાંભળવા મળે છે કે તેઓએ મોસ્કો અને બૈજિંગ બંનેનો નાશ કરવાની ધમકી ઉચ્ચારી હતી.
સીએનએન પાસે આ ઓડીયોની ક્લિપ પણ આવી છે. જેમાં ટ્રમ્પ એમ કહેતા સાંભળવા મળે છે કે પુતિન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો તમે યુક્રેનમાં ઘૂસી જશો, તો હું તમોને મોસ્કોમાંથી જ... દઈશ. હું તમને કહું છું કે મારી પાસે અન્ય વિકલ્પ જ નથી. બીજો કોઈ માર્ગ નથી. આ અવાજ ટ્રમ્પનો હોવાનું મનાય છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની વાતચીતમાં તેઓએ તેમને પણ સીધી ધમકી આપતાં કહ્યું હતું કે મેં શું કહ્યું તે તમે જાણો જ છો. જો તમે તાઈવાન પર હુમલો કરશો તો હું તમને બૈજિંગમાંથી જ શૂ... (શૂટ) આઉટ કરી દઈશ.
આ ધમકી સાંભળી બંનેને આંચકો લાગ્યો હતો. તેઓ માનતા હતા કે આ ધમકી ૧૦ ટકા સાચી હશે, બીજી તરફ ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે હવે હું ઝનૂને ભરાયો છું.
રશિયન નેટવર્કે આ ધમકીની ક્લિપ પણ વાયરલ કરી છે.
એક મત તેવો પણ છે કે ટ્રમ્પે પોતે જ જાણી જોઇને ધમકીની આ ક્લિપ વાયરલ કરી હશે ?
એક અન્ય અનુમાન લગાવતાં સીએનએન જણાવે છે કે વાસ્તવમાં ૨૦૨૪માં યોજાયેલી પ્રમુખ પદ માટેની ચૂંટણી સમયે ફંડ રેઇઝિંગ મીટીંગમાં પ્રમુખ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પે આ ધમકી ઉચ્ચારી હશે એવું મનાય છે કે તે ફંડ રેઇઝિંગ દરમિયાન ડોનર્સને પ્રભાવિત કરવા માટે અને પ્રમુખ બાયેડન સામે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે પણ તેઓએ આ શબ્દો ઉચ્ચાર્યા હશે જેની ઓડીયો ક્લિપ અત્યારે રહી રહીને જાહેર કરાઈ રહી છે. આ ક્લિપ જોશ ડાઉસે ટીલર પેજર અને ઇસાક આર્ન્સડૉફના હાથમાં આવી છે. આ ત્રણેયે એક પુસ્તક લખ્યું છે : ૨૦૨૪ ટ્રમ્પે કઇ રીતે વ્હાઇટ હાઉસ પાછું મેળવ્યું અને ડેમોક્રેટર્સે અમેરિકા ગુમાવ્યું. તેમ સીએનએન જણાવે છે. તે જે હોય તે પરંતુ વાત ઘણી ગંભીર છે તેમ વિશ્લેષકો કહે છે.









