પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બોમ્બમારો કર્યો ? કાબુલમાં ઉપરા ઉપરી વિસ્ફોટો

- અમેરિકાના પૂર્વ રાજદૂત ઝલ્મય ખલિલ વાઝાદે પાકિસ્તાનનાં આ પગલાને અતિ ગંભીર કહેતાં ભીતિ દર્શાવી કે નાનું યુદ્ધ થઈ જશે
નવી દિલ્હી : અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં ઉપરા ઉપરી વિસ્ફોટો સંભળાયા હતા. ગુરૂવારે સાંજે થયેલા આ વિસ્ફોટોને લીધે કાબુલમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જ્યારે તાલિબાન સરકારે તે વિસ્ફોટો પાકિસ્તાનની બોંબ વર્ષાથી થયા હોવાનો આક્ષેપ કરતાં પાકિસ્તાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી દીધી હતી.
તાલિબાન તંત્રના પ્રવકતા ઝબી ઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે, તે વિસ્ફોટો અંગે તપાસ ચાલે છે. જો કે હજી સુધી, તેથી કોઈ જાનહાની થઈ હોવાના સમાચારો નથી.
ગુરૂવારે મોડી સાંજે થયેલા આ વિસ્ફોટો અંગે અમેરિકાના પૂર્વ રાજદૂત ઝલ્મય ખલિલ વાઝાદે તે અંગે ચિંતા દર્શાવતાં કહ્યું હતું કે, તે વિસ્ફોટો પાકિસ્તાને કર્યા હોવાનો આક્ષેપ છે. આથી બંને દેશો વચ્ચે નાનું યુદ્ધ પણ થઇ જવાની ભીતિ રહેલી છે.
શુક્રવારે ખલીલઝાદે ઠ પોસ્ટ પર લખ્યું હતું કે, ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે મતભેદો તો છે જ પરંતુ લશ્કરી કાર્યવાહી તેનો જવાબ નથી. તેને બદલે બંનેએ મંત્રણા દ્વારા તે ઉકેલવા જોઈએ. તેઓએ વધુમાં લખ્યું કે, બંને દેશોની સરહદોને જુદી પાડવી ડુરાંડ-લાઇનની બંને બાજુએ ત્રાસવાદીઓના અડ્ડા છે.
વાસ્તવમાં બંને દેશો વચ્ચે તાલિબાન શાસનની અફઘાનિસ્તાનમાં સ્થાપના થઈ ત્યારથી છમકલા થતાં આવ્યા છે. તેમાંયે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી આમીરખાન મુત્તાકી આ માસની ૯ થી ૧૬ તારીખ સુધી ભારતની મુલાકાતે હોઈ ધૂંધવાયેલા પાકિસ્તાને આ હુમલા કર્યા હોવાની શક્યતા છે. ઓગસ્ટ-૧૫, ૨૦૨૧ માં તાલિબાનોએ કાબુલનો કબજો લીધો પછી પહેલી જ વાર તેનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિ મંડળ તેના વિદેશ મંત્રીનાં નેતૃત્વ નીચે ભારત આવ્યું છે. તે આશરે એક સપ્તાહ રહેશે. પાકિસ્તાન તેથી ધૂંધવાયેલું છે. ભારતે જ વર્ષ પછી કાબુલમાં ફરી દૂતાવાસ શરૂ કર્યું છે.