Get The App

સુનિતા વિલિયમ્સને જાણીજોઈને પરત ન લાવ્યા બાઇડેન? ટ્રમ્પ-મસ્કે લગાવ્યા ગંભીર આરોપ

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
સુનિતા વિલિયમ્સને જાણીજોઈને પરત ન લાવ્યા બાઇડેન? ટ્રમ્પ-મસ્કે લગાવ્યા ગંભીર આરોપ 1 - image

Trump and Musk accuse Joe Biden on not bring Sunita Williams back : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની સરકાર પર ગંભીર આરોપો મૂક્યા છે. ટ્રમ્પ અને મસ્કે દાવો કર્યો છે કે, નાસાના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોરને બાઇડન સરકાર જાણીજોઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં છોડી મૂક્યા હતા. મસ્કે કહ્યું હતું કે, 'તેમની વાપસીમાં થઈ રહેલા વિલંબનું કારણ રાજકીય હતું.' આ સિવાય ટ્રમ્પ સુનિતા અને તેમના સાથીઓને પરત લાવવા માટે તેઓ પૂરી કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.   

શું કહ્યું ઈલોન મસ્કે?

એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, 'બાઇડન સુનિતા વિલિયમ્સ સહિત નાસાના અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાંથી પાછા લાવી રહ્યા ન હતા.' આ અંગે પ્રતિક્રિયા આપતાં ઈલોન મસ્કે કહ્યું કે, 'આ પાછળ રાજકીય કારણો હતા. તેમને રાજકીય કારણોસર ત્યાં છોડી દેવામાં આવ્યા હતા. જે યોગ્ય નથી. રાષ્ટ્રપ્રમુખના નિર્દેશ પર અમે તેમને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યા છીએ. તે હાસ્યાસ્પદ છે કે તેને અત્યાર સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.'

બાઇડન તેમને અંતરિક્ષમાં જ છોડી મૂકવા માંગતા હતા - ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, 'તે (બાઇડન) અંતરિક્ષમાં જ તેઓને છોડી મૂકવા માંગતા હતા. તમે આના પર વિશ્વાસ પણ કરી શકો છો?' આ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવા માટે સ્પેસએક્સના મિશન અંગે પૂછવામાં આવતાં મસ્કે જવાબ આપતા કહ્યું હતું કે, 'અમે અગાઉ પણ ઘણાં અંતરિક્ષયાત્રીઓને પરત લાવી ચૂક્યા છીએ અને તેમાં અમે હંમેશા સફળ રહ્યા છીએ.' સુનિતા વિલિયમ્સને પરત લાવવામાં કેટલો સમય થશે તે અંગે મસ્કે કહ્યું હતું કે, 'મને લાગે છે કે તેમને પરત લાવતા લગભગ ચાર સપ્તાહ જેટલો સમય થઈ જશે.'

આ પણ વાંચો : મને ઇલોન મસ્ક કરતાં વધુ સમજદાર વ્યક્તિની જરૂર હતી પણ.... ટ્રમ્પનું આશ્ચર્યજનક નિવેદન

સુનિતા વિલિયમ્સ અને અન્ય અંતરિક્ષયાત્રીઓ 8 મહિનાથી અંતરિક્ષમાં ફસાયા 

આ દરમિયાન નાસાએ એક નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે, 'તે બંને અંતરિક્ષમાં ફસાયેલા નહોતા અને તેમને ISSમાં પણ છોડવામાં આવ્યા નથી.' ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા 8 મહિનાથી તેમના સાથી બુચ વિલ્મોર સાથે અંતરિક્ષમાં ફસાયેલા છે. બોઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં એક અઠવાડિયાના મિશન પછી તે બંને પૃથ્વી પર પાછા ફરવાના હતા. જો કે, વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમનું પરત ફરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમના પાછા ફરવાની જવાબદારી હવે મસ્કના સ્પેસએક્સને સોંપવામાં આવી છે. 

સુનિતા વિલિયમ્સને જાણીજોઈને પરત ન લાવ્યા બાઇડેન? ટ્રમ્પ-મસ્કે લગાવ્યા ગંભીર આરોપ 2 - image


Tags :