World

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા '6-7' ટ્રેન્ડને 'વર્ડ ઑફ ધ યર' જાહેર કરાયો, જાણો તેનો અર્થ

By GS TEAM
1 Nov 20253 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે શું વાયરલ થઈને લોકપ્રિયતાની સીમાઓ વટાવી જાય, એ કહી ન શકાય. તાજો કિસ્સો છે '6-7'(સિક્સ-સેવન)નો, જે નવી પેઢીમાં એટલો લોકપ્રિય થયો છે કે ડિક્શનરી.કોમે એને વર્ષ 2025નો 'વર્ડ ઑફ ધ યર' જાહેર કરી દીધો છે. આ જાહેરાતથી ઘણા લોકો હેરાન થઈ ગયા છે અને પૂછવા લાગ્યા છે કે, શું આ ખરેખર એક શબ્દ છે? અને જો છે તો, તેનો અર્થ શું થાય છે?

Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા '6-7' ટ્રેન્ડને 'વર્ડ ઑફ ધ યર' જાહેર કરાયો, જાણો તેનો અર્થ

6-7 Trend Viral On Social Media : સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે શું વાયરલ થઈને લોકપ્રિયતાની સીમાઓ વટાવી જાય, એ કહી ન શકાય. તાજો કિસ્સો છે '6-7'(સિક્સ-સેવન)નો, જે નવી પેઢીમાં એટલો લોકપ્રિય થયો છે કે ડિક્શનરી.કોમે એને વર્ષ 2025નો 'વર્ડ ઑફ ધ યર' જાહેર કરી દીધો છે. આ જાહેરાતથી ઘણા લોકો હેરાન થઈ ગયા છે અને પૂછવા લાગ્યા છે કે, શું આ ખરેખર એક શબ્દ છે? અને જો છે તો, તેનો અર્થ શું થાય છે? 

શું છે આ '6-7'નો અર્થ?

જવાબ છે- કાંઈ નહીં! બાળકો અને કિશોરોમાં ખૂબ જ લોકપ્રિય થયેલા '6-7'નો કોઈ ચોક્કસ અર્થ જ નથી. GenZ માટે એ ફક્ત મસ્તી-મજાક કરવાનું અને સ્પષ્ટ જવાબ ન આપવાનું સાધન છે. 

ટિકટોકથી શરુ થયો આ ટ્રેન્ડ 

'6-7'ની લહેરની શરુઆત અમેરિકાના રેપર સ્ક્રિલાના વર્ષ 2024માં આવેલા સોંગ ‘ડૂટ ડૂટ 6-7’ થી થઈ હતી. ટિકટોક પર બાસ્કેટબોલ ખેલાડીઓના અમુક વીડિયો દ્વારા આ ગીત લોકપ્રિય બન્યું, જેમાં NBAનો એક ખેલાડી લામેલો બોલ પણ સામેલ હતો. એની ઊંચાઈ 6 ફૂટ 7 ઇંચ છે. એ પછી, ‘ધ 6-7 કિડ’ તરીકે ઓળખાયેલા એક બાળકના એક વીડિયોને લીધે આ શબ્દ વધુ લોકપ્રિય થયો. વીડિયોમાં તે પોતાના હાથ જગલિંગ કરતો હોય એમ હવામાં ઉપર-નીચે કરીને ‘6-7’ બોલ્યો હતો. એની આ અદાએ ઓનલાઇન દુનિયામાં તહલકો મચાવી દીધો અને લાખો-કરોડો લોકો એની નકલ કરવા લાગ્યા. સોશિયલ મીડિયામાં ‘6-7’ વીડિયોની જાણે કે સુનામી આવી હોય, એવો માહોલ સર્જાયો.

'6-7' નો કોઈ અર્થ નથી, છતાં છે 

'6-7' નો સ્પષ્ટ કોઈ અર્થ નથી, એ સાચું, છતાં છે, એમ કહેવામાં આવે તો કોઈપણ ગૂંચવાઈ જાય એમ છે. હકીકત એ છે કે, '6-7' નો કોઈ એક અર્થ નથી, એનો અર્થ પરિસ્થિતિ અને વ્યક્તિને આધારે બદલાઈ શકે છે. એનો અર્થ 'ઠીક-ઠાક' કે પછી 'કદાચ આ કે કદાચ તે' એવો થઈ શકે છે. કોઈ વ્યક્તિએ પૂછેલા સવાલનો સ્પષ્ટ જવાબ ન આપવો હોય ત્યારે GenZ હવામાં હાથ ઉપર-નીચે કરીને '6-7' બોલે છે. તેથી એને અર્થહીન અભિવ્યક્તિ ગણી શકાય. ઘણા યુવાનો એનો ઉપયોગ બીજાને ચીડવવા કે પછી નિરાશ કરવા માટે કરે છે.

'6-7'એ સમાજને વિભાજિત કર્યો 

અર્થહીન '6-7' વાયરલ થતાં અનેક દેશોના સમાજમાં પ્રતિક્રિયાઓ ઊભી થઈ ગઈ. માતાપિતા અને શિક્ષકોએ તેનો ઉપયોગ ન કરવા માટે વીડિયો બનાવીને મૂકવા માંડ્યા. શાળાઓમાં એનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકાયા. સમાજના એક વર્ગે એને અવગણી દેવાની સલાહ આપી. એમની ગણતરી એવી હતી કે એને મહત્ત્વ જ નહીં અપાય તો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બીજા ટ્રેન્ડની જેમ '6-7'નો ટ્રેન્ડ પણ શાંત થઈ જશે. પણ એવું ન થયું. જૂનમાં શરુ થયેલો આ ટ્રેન્ડ હજુ સુધી શાંત થવાનું નામ નથી લેતો. ઉલ્ટાનું એના વપરાશમાં છ ગણો વધારો થયો છે!

આ પણ વાંચો: આફ્રિકાના વન્યજીવનની 'ઊર્જા'માં એક તૃતીયાંશનો ઘટાડો, પૃથ્વીના પર્યાવરણ પર ગંભીર ખતરાની ચેતવણી

ડિક્શનરી.કોમે શા માટે '6-7'ને 'વર્ડ ઑફ ધ યર' જાહેર કર્યો? 

'6-7'ને 'વર્ડ ઑફ ધ યર' જાહેર કરવા પાછળ ડિક્શનરી.કોમનો ઉદ્દેશ્ય ફક્ત લોકપ્રિય થયેલા શબ્દને સન્માનવાનો કે વધુ લોકપ્રિય બનાવવાનો નથી, તેનો હેતુ આવી વિશ્વવ્યાપી ‘ભાષાકીય ઘટના’ને ઇતિહાસમાં નોંધી લેવાનો છે. ડિક્શનરી.કોમનું કહેવું છે કે, '6-7' માત્ર ક્ષણિક ટ્રેન્ડ નહોતો, તે યુવા પેઢી માટે અભિવ્યક્તિનું માધ્યમ અને આ વર્ષની ડિજિટલ સંસ્કૃતિનું પ્રતીક બની ગયો છે.