VIDEO: બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટ પર લાગી ભીષણ આગ, કાર્ગો ટર્મિનલ ભડભડ સળગી ઉઠ્યું

Bangladesh Airport Fire: બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે(18 ઓક્ટોબર) બપોરે એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં એરપોર્ટના કાર્ગો ટર્મિનલ વિભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે એરપોર્ટ પરથી થતી તમામ ફ્લાઇટ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી હતી.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 2:30 વાગ્યાની આસપાસ કાર્ગો વિભાગના ગેટ નંબર 8 નજીક આગ લાગવાની શરૂઆત થઈ હતી. જોતજોતામાં ધુમાડાના ઘેરા ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. આગને કાબૂમાં લેવા માટે તત્કાળ પગલાં લેવામાં આવ્યા હતા.
ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના પ્રવક્તા તલ્હા બિન જાસિમે જણાવ્યું હતું કે, શરૂઆતમાં 9 ફાયર ફાઇટિંગ યુનિટ્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને ત્યારબાદ કુલ 28 જેટલા યુનિટ્સ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં લાગી ગયા હતા. બાંગ્લાદેશની સિવિલ એવિએશન ઓથોરિટી, ફાયર સર્વિસ, બાંગ્લાદેશ એરફોર્સના બે યુનિટ્સ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની બે ટુકડીઓ પણ આ બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ હતી.
એરપોર્ટના પ્રવક્તાએ માહિતી આપી હતી કે, રાહતની વાત એ છે કે તમામ વિમાનો સુરક્ષિત છે. આગને કારણે એરપોર્ટ પર ઉતરાણ અને ઉડાન ભરવાનું કામચલાઉ ધોરણે રોકી દેવાયું હતું, અને કેટલાક ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ (ઢાકા આવતી ફ્લાઇટ્સ) ને નજીકના ચિત્તાગોંગ અને સિલ્હટ એરપોર્ટ્સ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
અધિકારીઓએ હાલમાં કોઈ જાનહાનિના અહેવાલને નકારી કાઢ્યો છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની માત્રા જાણવા માટે તપાસ ચાલી રહી છે.