Get The App

અમેરિકી હુમલા છતાં ઈરાન હજીયે મજબૂત 70 ટકા મિસાઇલ્સ, 40 ટકા ડ્રોન વિમાનો અકબંધ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકી હુમલા છતાં ઈરાન હજીયે મજબૂત 70 ટકા મિસાઇલ્સ, 40 ટકા ડ્રોન વિમાનો અકબંધ 1 - image

- ઈરાન શાંતિ મંત્રણામાં ભાગ નહીં લે

- ઈરાન છેલ્લા 30-40 વર્ષથી મહાયુદ્ધ માટે તૈયારીઓ કરતું રહ્યું છે તેણે મિસાઇલ્સ તથા ડ્રોન બનાવવા માટે ભૂગર્ભ નગર બનાવ્યું છે

નવી દિલ્હી : પૂર્વે જાહેર કરાયું હતું કે, ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે આજે (સોમવારે) મંત્રણાનો બીજો દોર શરૂ થશે. આ જાહેરાત પાકિસ્તાન દ્વારા જ કરવામાં આવી હતી પરંતુ ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તે એ મંત્રણામાં ભાગ નહીં લે, દરમિયાન અમેરિકી પ્રતિનિધિમંડળ તો ગઈકાલ (તા. ૧૯)થી જ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે. પ્રશ્ન તે છે કે મંત્રણા તે પ્રતિનિધિમંડળ કરશે કોની સાથે ?

બીજી તરફ ઈરાને હુંકાર સાથે કહી દીધું છે કે ઈરાનને પરાજિત કરવું અસંભવ સમાન છે.

ઈરાનના આ હુંકાર પાછળ મજબૂત કારણો પણ છે. ઈરાને જમીનની નીચે ૧૫૦ ફીટથી વધુ ઉંડાઈએ મિસાઇલ ડ્રોન્સ બનાવતી ફેકટરીઝ ઊભી કરી દીધી છે. જ્યાં આ મિસાઈલ્સ અને ડ્રોન્સ બનાવવામાં આવે છે.

આ ઉપરાંત ઈરાન પાસે તેનાં કુલ મિસાઇલ્સનો ૭૦ ટકા જથ્થો તો હજી અનામત પડયો છે. તેવી જ રીતે ૪૦ ટકા ડ્રોન્સ અનામત પડયાં છે. સાથે બંનેનું ઉત્પાદન પણ ચાલુ જ છે.

મહત્વની વાત તે છે કે, આ 'ભૂગર્ભનગર' એટલી ઊંડાઈએ છે કે ઉપરથી પ્રચંડ બોમ્બ વર્ષા કરવામાં આવે તો પણ નીચે કશી જ અસર ન થાય. ઈરાને તેનાં પ્રબળ ડ્રોન્સનું નામ 'શાહેદ-૧૩૬' રાખ્યું છે. તેમ અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા જણાવવામાં આવ્યું છે. તે વધુમાં જણાવે છે કે ઈરાન તેના ડ્રોન્સની ક્ષમતા અત્યાર કરતાં ૧૦ ગણી વધુ કરવામાં વ્યસ્ત છે.

આ સાથે ઈરાને તેની ભૂમિ સેના પણ તૈયાર રાખી છે. ઈરાની સૈન્યના પ્રવકતા સાય ઈબ્રાહીમ ઝોબ્ફા શાહીએ કહ્યું છે કે ઈરાન કોઈ પણ જમીન આક્રમણ માટે તૈયાર છે. અમે કોઈ પણ જમીની આક્રમણને મારી હઠાવીશું.

સૌથી વધુ ગંભીર બાબત તો તે છે કે હોર્મુઝ સ્ટ્રેઈટસ ઉપરનો કબ્જો તેણે ચાલુ જ રાખ્યો છે સાથે તેણે તેના ડ્રોન ઉત્પાદનની ક્ષમતા ૧૦ ગણી વધારવા નિર્ણય કર્યો છે. મિસાઇલ્સ લોન્ચર્સ ફરી સક્રિય કરી દીધા છે અને પડકાર ફેંક્યો છે કે જો ફરી યુદ્ધ શરૂ થશે તો તે પોતે જ સૌથી પહેલો હુમલો શરૂ કરશે.

૨૨ એપ્રિલે 'સીઝ ફાયર' ખત્મ થવાનો છે બંને પક્ષો પોતપોતાની તૈયારીઓમાં લાગી પડયા છે. નિરીક્ષકો તેમાં શો નિષ્કર્ષ આપશે તેની ગણતરીઓ બાંધી રહ્યા હતા, ત્યાં જ ઈરાને જાહેર કરી દીધું કે, હોર્મુઝ અને પોતાનાં અન્ય બંદરો પરથી ઘેરાબંધી નહીં હઠે ત્યાં સુધી તે કોઈપણ મંત્રણા માટે તૈયાર નથી. વિશ્વે હવે એક વધુ મહાયુદ્ધ માટે તૈયાર રહેવું પડે તેમ છે. ભીતિ તો તે છે કે 'મહાયુદ્ધ' 'વિશ્વયુદ્ધ'માં કંઈ ન પરિણમે.