World

ટ્રમ્પની ધમકી છતાં હમાસે ઝુકવાની ના પાડી, ૨૦ સુત્રીય પીસ પ્લાનને ફગાવી દીધો

By GS TEAM
1 Oct 20252 mins read
ટ્રમ્પની ધમકી છતાં હમાસે ઝુકવાની ના પાડી, ૨૦ સુત્રીય પીસ પ્લાનને ફગાવી દીધો

તેલઅવિવ,૧ ઓકટોબર,૨૦૨૫,બુધવાર 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાજા સંઘર્ષ પૂર્ણ કરવાના હેતુંથી ૨૦ સુત્રીય યોજના પ્રસ્તુત કરી હતી. ઇઝરાયેલે આ યોજનાનો સહર્ષ સ્વીકાર કર્યો છે પરંતુ હમાસ તરફથી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા આવી નથી. હમાસે પ્રસ્તાવ ફગાવી દીધો હોવાનું ચિત્ર ઉપસી રહયું છે કારણ કે તેનું માનવું છે કે આ યોજના ઇઝરાયેલના હિતોને પ્રાપ્ત કરવા માટેની છે. ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રસ્તાવમાં તાત્કાલિક યુદ્ધવિરામ, તમામ બંધકોને છોડી મુકવા, ઇઝરાયેલી સેનાનું  તબક્કાવાર પાછા ફરવું,  હમાસનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ, આંતરરાષ્ટ્રીય સંગઠનના નેતૃત્વમાં એક અસ્થાયી સંક્રમણકાલીન સરકારની રચના વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

હમાસ માને છે કે પ્રસ્તાવમાં પેલેસ્ટાઇનની માંગણીઓને નજર અંદાજ કરવામાં આવી છે. એક સમાચાર માધ્યમે હમાસના ઉચ્ચ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે સુત્રીય યોજનાની અનેક શરતો પર ઉંડી ચિંતા છે. ખાસ કરીને હમાસ પાસેથી શસ્ત્રો લઇને તેને નાશ કરવાની માંગણી તથા ગાજામાં આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાને લઇને વાંધો છે.આ પ્રસ્તાવ પેલેસ્ટાઇનની મૂળ ભાવનાથી વિપરિત છે.

પેલેસ્ટાઇની અધિકારીઓનું માનવું છે કે આ યોજના એક માનવીય આપદા છે જેનો અસ્વીકાર કરવા એ એક માત્ર કઠોર વિકલ્પ છે. આ એક નેતન્યાહુની યોજના છે જેને ટ્રમ્પે રજૂ કરી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીત દરમિયાન હમાસને માત્ર ત્રણ કે ચાર દિવસમાં સમજૂતી કરી લેવા બાબતે ચેતવણી આપી હતી. જો એમ નહી થાય તો ભયંકર પરિણામ માટે પણ તૈયાર રહેવાની વાત કરી હતી.  હમાસ માટે વાતચીતની હવે કોઇ જ શકયતા નથી.