અમેરિકાના ટેરિફનો ટેન્શન છતાં ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદીમાં જબરદસ્ત ઉછાળો
India and Donald Trump Tariff and Russia Oil News : છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ કડક નિવેદનો આપ્યા છે. આ ઉપરાંત, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. હાલના સમયમાં ભારત પર કુલ 50 ટકા ટેરિફ છે. જોકે, તેની અસર ભારત પર જોવા મળી નથી.
અમેરિકાના દબાણની કોઈ અસર નહીં
ભારતે હજુ પણ રશિયા સાથે એ જ સંબંધ જાળવી રાખ્યા છે. ભારતીય રિફાઇનરોએ રશિયન ઓઈલની ખરીદી પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ભારતીય બંદરો પર પહોંચેલા રશિયન ઓઈલના કન્સાઇન્મેન્ટ જુલાઈ અને ઓગસ્ટ કરતા વધુ હતા, જે સ્પષ્ટ કરે છે કે અમેરિકાના દબાણની કોઈ તાત્કાલિક અસર થઈ નથી.
ચોક્કસ આકલન કરવામાં હજુ થોડા દિવસ થશે
એક અહેવાલમાં પ્રારંભિક ટેન્કર ટ્રેકિંગ ડેટાને ટાંકીને જણાવ્યું છે કે 1 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારતે દરરોજ સરેરાશ 17.3 લાખ બેરલ રશિયન તેલ આયાત કર્યું હતું. તેની તુલનામાં જુલાઈ અને ઓગસ્ટમાં આ આંકડો અનુક્રમે 15.9 અને 16.6 લાખ બેરલ પ્રતિ દિવસ હતો. નિષ્ણાતો કહે છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની ડિલિવરી સ્પષ્ટ કરશે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઓગસ્ટમાં જાહેર કરાયેલ 25% ટેરિફની વાસ્તવિક અસર શું હતી.
6-8 અઠવાડિયા કરાર થઇ જાય છે
સામાન્ય રીતે રશિયન ક્રૂડ ઓઇલના કરારને 6-8 અઠવાડિયા અગાઉથી અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. તેનો અર્થ એ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં ડિલિવરી ખરેખર જુલાઈમાં બુક કરવામાં આવી હતી, તે જ સમયે ટ્રમ્પે ભારતને જાહેરમાં ચેતવણી આપવાનું શરૂ કર્યું હતું. રશિયન બંદરોએ સપ્ટેમ્બરમાં ભારત માટે દરરોજ 12.2 લાખ બેરલ ઓઈલ લોડ કર્યું હતું, જોકે વાસ્તવિક આંકડો 16 લાખ સુધી પહોંચી શકે છે કેમ કે અનેક ટેન્કર ઇજિપ્તના પોર્ટ સૈદ સુધી રજિસ્ટર્ડ છે પણ પરંપરાગત રીતે ભારત તેમનું અંતિમ સ્થળ હોય છે.