Pakistan is building a nuclear tunnel in the mountains of Sindh: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના ખુલાસામાં પરમાણુ પરીક્ષણ સંબંધિત એક ગંભીર રહસ્યનો પર્દાફાશ કર્યો છે. તેમનો દાવો છે કે, પાકિસ્તાન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. હવે આ જ સંદર્ભમાં સિંધી નાગરિક સમાજ સંગઠનો અને સિંધુદેશ આંદોલનના સંયુક્ત મંચે પાકિસ્તાનના સિંધ પ્રાંતના દૂરના પર્વતીય વિસ્તારોમાં કથિત રીતે ગુપ્ત પરમાણુ પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે. આ સંગઠનોએ આ વિસ્તારોમાં શંકાસ્પદ પરમાણુ સંબંધિત ગતિવિધિઓની તાત્કાલિક આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી છે.
પાકિસ્તાન સિંધના પર્વતોમાં પરમાણુ ટનલ બનાવી રહ્યું?
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ, ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA), યુએન ઓફિસ ફોર ડિસઆર્મમેન્ટ અને યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ (OHCHR) ને મોકલવામાં આવેલા ઔપચારિક પત્રમાં આ જૂથોએ આરોપ લગાવ્યો છે કે જમશોરોની ઉત્તરમાં નોરિયાબાદ નજીક કમ્બર-શાહદાદકોટ જિલ્લાની આસપાસ અને મંચર ઝીલના પશ્ચિમ ભાગમાં ઘણી ભૂગર્ભ ટનલ અને ચેમ્બર સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. આ પત્ર જેય સિંધ મુત્તાહિદા મહાઝના અધ્યક્ષ શફી બુરફતે પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.
ટનલમાં સખત લશ્કરી ગોપનીયતાનું પાલન
દસ્તાવેજ પ્રમાણે આ ટનલમાં સખત લશ્કરી ગોપનીયતાનું પાલન થઈ રહ્યું છે, જ્યાં પ્રવેશ પર સખત પ્રતિબંધ છે અને બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. તેનો ઉપયોગ પરમાણુ સામગ્રીના સંગ્રહ અથવા તેનાથી સબંધિત પ્રક્રિયાઓ માટે કરવામાં આવી શકે છે. જૂથોએ ચેતવણી આપી છે કે જો આ ભૂગર્ભ માળખામાં ખરેખર પરમાણુ સામગ્રી હશે, તો તે કિરણોત્સર્ગી દૂષણ, પર્યાવરણીય વિનાશ અને વૈશ્વિક પરમાણુ સુરક્ષા અને અપ્રસાર નિયમોના ઉલ્લંઘનનું ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય તપાસની માગ
આ પત્રમાં તાત્કાલિક આતંરરાષ્ટ્રીય તપાસની માગ કરવામાં આવી છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેનો હેતુ તણાવ વધારવાનો નથી, પરંતુ પારદર્શિતા સ્થાપિત કરવાનો, સ્થાનિક રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. IAEAને વિનંતી કરવામાં આવી છે કે તે તપાસ કરે કે શું આ દાવાઓ તેમની ચકાસણીના દાયરામાં આવે છે, અને જો 'હા' તો સ્થળ પર તકનીકી નિષ્ણાતોને તહેનાત કરીને મુલ્યાંકન કરાવવામાં આવે.
આ પણ વાંચો: પાકિસ્તાન પરમાણુ પરિક્ષણ કરતું હોવાના ટ્રમ્પના દાવાથી ખળભળાટ
જૂથોએ યુએન સેક્રેટરી-જનરલને અપીલ કરી છે કે, વિશેષ યુએન એજન્સીઓના સહયોગથી એક સ્વતંત્ર અને નિષ્પક્ષ તથ્ય-શોધ મિશનની રચના કરવામાં આવે જે વિશ્વસનીય તથ્યોનો રેકોર્ડ તૈયાર કરે. આ સાથે જ OHCHR, UNEP અને અન્ય યુએન સંસ્થાઓ દ્વારા જળ સંસાધનો, કૃષિ, જૈવવિવિધતા અને જાહેર આરોગ્ય પર સંભવિત અસરોનું મૂલ્યાંકન કરવા માટે સમાંતર માનવ અધિકારો અને પર્યાવરણીય અધ્યયન કરાવવામાં આવે.


