For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડેલ્ટા વેરિએન્ટ અછબડાની જેમ ચેપી બનીને હાહાકાર મચાવે છેઃ ચિંતાજનક રીપોર્ટ

કોરોનાના તમામ વેરિએન્ટમાં ડેલ્ટા સૌથી ખતરનાકઃ અમેરિકા

ઈરાન, ઈરાક, ટયુનિશિયા, લીબિયા જેવા મધ્યપૂર્વના દેશોમાં ડેલ્ટાના કારણે કોરોનાની ચોથી લહેરનો ખતરો

Updated: Jul 30th, 2021

Article Content Image

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. ૩૦
અમેરિકાના ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન સેન્ટરના અહેવાલમાં ડેલ્ટા વેરિએન્ટ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકન હેલ્થ ઓથોરિટીના કહેવા પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટ એટલો ચેપી છે કે તે અછબડાની જેમ ઝડપથી ફેલાઈ શકે છે. તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી લાગી શકે છે.
અમેરિકન નિષ્ણાત ડૉ. રોશેલી વેલેન્સ્કીએ કહ્યું હતું કે કોરોનાના બધા જ વેરિએન્ટમાં ડેલ્ટા સૌથી વધારે ઘાતક છે. વેક્સિન લઈ લેનારા લોકોથી પણ ડેલ્ટા વેરિએન્ટનો ચેપ લાગી શકે છે. સામાન્ય રીતે લોકો એવી ધારણા બાંધી લેતા હોય છે કે વેક્સિન લઈ લીધા પછી પોતાને ખતરો ઓછો થઈ જાય છે અને તેનાથી અન્યને ચેપ લાગવાની શક્યતા પણ ઘટી જાય છે, પરંતુ ડેલ્ટા વેરિએન્ટ એટલો ખતરનાક છે કે આ ધારણા ખોટી પાડી દે છે.
ડેલ્ટા વેરિએન્ટનો પહેલો કેસ ભારતમાં નોંધાયો હતો. એ પછી ડેલ્ટા વેરિએન્ટનો ફેલાવો ઝડપભેર દુનિયામાં થઈ રહ્યો છે. કોરોનાના તમામ વેરિએન્ટમાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધુ શક્તિશાળી હોવાથી તેનો ફેલાવો ઝડપભેર થઈ રહ્યો છે.
ડેલ્ટા વેરિએન્ટના કારણે ઘણાં દેશોમાં ચોથી લહેરનો ખતરો સર્જાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં કહેવાયું હતું કે મધ્ય-પૂર્વના દેશોમાં ડેલ્ટા વેરિએન્ટનો ખતરો સવિશેષ મંડરાઈ રહ્યો છે. ઈરાન, ઈરાક, ટયુનિશિયા, લીબિયા જેવા દેશોમાં અચાનક કોરોનાના કેસ વધ્યા હતા. આ દેશોની માત્ર ૫.૫ ટકા વસતિએ જ વેક્સિન લીધી હોવાથી ત્યાં ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડૉ. અહેમદ અલ મંધારીએ કહ્યું હતું કે મિડલ-ઈસ્ટના ૨૨માંથી ૧૫ દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ નોંધાઈ ચૂક્યો છે. જે લોકોને ડેલ્ટા વેરિએન્ટનો કોરોના થાય છે, તેમાંથી મોટાભાગનાએ વેક્સિન લીધી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વેક્સિનેશન માટે ફરીથી અપીલ કરી હતી.

Gujarat