Get The App

હોંગકોંગમાં છેલ્લા 8 દાયકાનો સૌથી ભીષણ અગ્નિકાંડ, 8 ઇમારતો ભસ્મીભૂત, મૃત્યુઆંક વધી 128 થયો

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
હોંગકોંગમાં છેલ્લા 8 દાયકાનો સૌથી ભીષણ અગ્નિકાંડ, 8 ઇમારતો ભસ્મીભૂત, મૃત્યુઆંક વધી 128 થયો 1 - image

Hongkong Fire News : હોંગકોંગની બહુમાળી ઇમારતોમાં લાગેલી ભીષણ આગે અત્યાર સુધીમાં 128 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા લગભગ આઠ દાયકામાં હોંગકોંગમાં લાગેલી આ સૌથી ભયાવહ આગની ઘટના છે, જેને કારણે સમગ્ર શહેરમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. જોકે હજુ પણ ઠેર ઠેર મૃતદેહો મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ હજુ પણ યથાવત્ છે. 

32 માળની આઠ ઇમારતો ભસ્મીભૂત 

આ દુર્ઘટના તાઈ પો સ્થિત વાંગ ફૂક કોર્ટના રહેણાંક સંકુલમાં બની હતી. બુધવારે લાગેલી આ આગ એટલી ભયાવહ હતી કે તેણે વાંસના ટેકાવાળી 32 માળની ઊંચાઈ ધરાવતી આઠ ઇમારતોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

હોંગકોંગના ઇતિહાસમાં 1948 પછીની આ સૌથી ભીષણ ઘટના 

આગ બુધવારે બપોરના સમયે લાગી હતી અને ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે મોટા પાયે જાનહાનિ થઈ છે. હોંગકોંગના ઇતિહાસમાં 1948 પછીની આ સૌથી ભીષણ ઘટના છે. અગાઉ 1948માં એક ગોડાઉનમાં લાગેલી આગમાં 176 લોકોના મૃત્યુ થયા હતા.

હજુ મળી રહ્યા છે મૃતદેહો 

અગ્નિશમન દળ અને રાહત કામગીરી કરનારી ટીમો દ્વારા કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું અને ફસાયેલા લોકોને બચાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ ભયાનક ઘટનાએ શહેરની ઇમારતોમાં સુરક્ષા વ્યવસ્થા અને આગ નિવારણ ઉપાયો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.